મણિનગરના વેપારીની સાથે છેતરપિંડી :૪૦હજાર ગુમાવ્યા
અમદાવાદ: કહેવાય છે કે, દુનિયા ઝૂકતી હૈ ઝૂકાનેવાલા ચાહિયે. આ કહેવત અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સાર્થક થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં છેતરપિંડીની નવી નવી મોડસ ઓપરેન્ડીથી લોકો ગઠિયાઓનો ભોગ બની રહ્યા છે. ત્યારે શહેરના મણિનગર વિસ્તારમાં વધુ એક છેતરપિંંડીનો બનાવ સામે આવ્યો છે. કાપડના વેપારીને ૧૦ , ૨૦ અને ૫૦ના દરની નવી ચલણી નોટો લેવાનો મોહ ભારે પડયો છે.
મણિનગર વિસ્તારમાં રહેતા પ્રવિણ પટેલ નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી છે કે, ૧૫મી જૂનના દિવસે બપોરે પોતાની દુકાન પર હાજર હતા તે દરમિયાન એક અજાણ્યો વ્યક્તિ તેમની દુકાને આવ્યો હતો અને ફરિયાદીને કહેલ કે તમારે ૧૦, ૨૦ અને ૫૦ ના દરની નવી ચલણી નોટો લેવી હોય તો યસ બેન્ક પાસે આવી જાઓ.
નોટોના બંડલ આપવા વાળી ગાડી બેન્ક પાસે ઊભી છે. જેથી ફરિયાદીએ પોતાના ઘરેથી રૂપિયા ૪૦,૦૦૦ લાવીને આરોપી સાથે યસ બેન્ક પાસે જવા માટે નીકળ્યા હતા. જા કે આ ગઠિયો ફરિયાદીને યુનિયન બેન્કમાં લઈ ગયો હતો અને તેમની પાસેથી રૂપિયા ૪૦,૦૦૦ લઈ કેશિયરને આપ્યા હતા
ત્યારબાદ ફરિયાદીને કહેલ કે, થોડી વાર સાઈડમાં બેસો. થોડીવાર બાદ ગઠિયો ફરિયાદી પાસે આવ્યો હતો અને ફરિયાદીને થેલી લેવાના બહાને બહાર મોકલ્યા હતા.
જાકે ફરિયાદી પરત આવે છે ત્યાં સુધીમાં ગઠિયો રફુચક્કર થઈ જાય છે. જ્યારે ફરિયાદીએ રૂપિયા ૪૦,૦૦૦ બાબતે કેશિયરને પૂછતાં તેમણે કહેલ કે જે વ્યક્તિએ ૪૦,૦૦૦ આપેલ તે છુટા લીધા વગર રૂપિયા પરત લઈને અહીંંથી જતો રહ્યો છે.