મણિનગરમાં જુગારનો કેસ નહીં કરતા PSI અને ૪ કોન્સ્ટેબલ સસ્પેન્ડ
(પ્રતિનિધિ) અમદાવાદ : હાલમાં શ્રાવણ મહિનો ચાલે છે ત્યારે શહેરભરમાં જુગારધામો ચાલી રહયા છે કેટલાંક સ્થળોએ પોલીસની રહેમ નજર હેઠળ પણ આ ગેરકાયદેસર પ્રવૃતિઓ ચાલતી હોવાનું બહાર આવ્યુ છે જયારે કેટલીક જગ્યાએ દરોડા પાડયા બાદ કેસ ન કરવા માટે પોલીસ દ્વારા વહીવટ કરવાની પણ વાતો બહાર આવી રહી છે. આ સ્થિતિમાં મણિનગર પોલીસે એક જુગારધામ પર પાડેલા દરોડામાં કેસ ન કરવા માટે વહીવટ કર્યો હોવાનું ખુલતા એક પીએસઆઈ અને ચાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે.
મણીનગર પોલીસની ટીમે એક સ્થળે દરોડો પાડીને જુગારીઓને મોટા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જાકે કાયદેસરની કાર્યવાહી કરવાને બદલે ટીમે જુગારનો કેસ ન કરવા માટે લાંચ માંગી હતી અને તમામ આરોપીઓને કાર્યવાહી વિના જ જવા દીધા હતા આ સમગ્ર બાબત ઝોન – પ ના ડીસીપી અક્ષયરાજના ધ્યાને આવતા તેમણે મણીનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ટી.એન. મોરડીયા તથા ચાર કોન્સ્ટેબલ મોહસીન મીર્ઝા, પ્રવિણભાઈ, રવિદ્યાન અને દિવ્યરાજ સરવૈયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતાં.
મણિનગર વિસ્તારમાં જુગારના કેસના મુદ્દે પોલીસતંત્રમાં ભારે ચર્ચા થઈ રહી હતી અને આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓ પણ સતર્ક બન્યા હતા આ અંગેની તપાસ કર્યા બાદ આખરે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો હતો પોલીસ બેડામાં આ નિર્ણયથી સન્નાટો ફેલાઈ ગયો છે.