મણિનગરમાં તસ્કરો ત્રાટક્યાઃ રૂ.૪.૮ર લાખની ચોરી
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ચોરી લુંટફાટની ઘટનાઓ સામાન્ય બનવા લાગી છે શહેરમાં તસ્કરો અને લુંટારુઓના આંતકના કારણે સામાન્ય નાગરિકો અસલામતીની લાગણી અનુભવી રહયા છે અને પોતાની મુડી પણ ગુમાવી રહયા છે આ દરમિયાનમાં શહેરના મણિનગર વિસ્તારમાં બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ.૪ લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં સનસનાટી મચી ગઈ છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના મણિનગર વિસ્તારમાં કાંકરિયા ખાતે આવેલા ઝણકાર હોલની પાસે મ્યુનિ. સર્વન્ટ સોસાયટીમાં રહેતા રાજ મુકેશકુમાર આચાર્ય પોતાના પરિવાર સાથે રહે છે અને પંડિત દિનદયાળ પેટ્રોલીયમ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે એન્જીનીયરીંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે
જયારે તેના પિતા પણ ગાંધીનગર ખાતે નોકરી કરે છે તા.૮મીના રોજ રાજ ના પિતા મુકેશભાઈને બેગ્લોર ખાતે ઈકો ટુરીઝમની ટ્રેનીંગ હોવાથી મકાન બંધ કરીને તમામ લોકો પ્લેનમાં બેગ્લોર ગયા હતા. ઘરકામ કરતા સુશીલાબેન બપોરે ઘરની સાફસફાઈ કરી મકાનને તાળુ મારીને જતા રહયા હતાં બીજે દિવસે તા.૯મીના રોજ સુશીલાબેન ઘરે કામ કરવા આવ્યા ત્યારે ઘરના પાછળના ભાગે આવેલી બારી તુટેલી જાવા મળી હતી તેથી સુશીલાબેને પાડોશમાં રહેતા અજયભાઈને જાણ કરી હતી.
આ અંગેની જાણ થતાં આસપાસના અન્ય લોકો પણ આવી પહોંચ્યા હતાં અને ઘર ખોલતા જ અંદર તમામ સામાન વેરવિખેર જાવા મળ્યો હતો ઘરની અંદર મુકેલી ત્રણ તિજારીના તાળા તથા કબાટના તાળા તુટેલા જાવા મળ્યા હતાં જેથી તાત્કાલિક બેંગ્લોર ખાતે રાજને તથા તેમના પુત્ર મુકેશભાઈને આ અંગેની જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો તાત્કાલિક બેગ્લોરથી પ્લેન મારફતે અમદાવાદ આવી પહોચ્યા હતા અને ઘરના સામાનની તપાસ કરતા ત્રિજારી અને કબાટમાં મુકેલા સોના-ચાદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ.૪.૮૩ લાખના મુદ્દામાલની ચોરી થયાનું જાણવા મળ્યુ હતું ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા તથા ડોગ સ્કવોર્ડ તથા ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લેવામાં આવી હતી. આ અંગે રાજે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.