મણિનગર પણ રેડઝોન જાહેર : જમાલપુર અને દાણીલીમડા બ્રીજ બંધ કરાયા..
રેડઝોનમાં લોકડાઉનના અમ્લ માટે 10 અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી
અમદાવાદ, શહેરમાં કોરોના નો કેહર વધી રહ્યો છે શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી સરેરાશ ૨૫૦ જેટલા કેસ જાહેર થયા છે જેના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક વોર્ડ ને ઝોનમાં સમાવેશ કરવાની ફરજ પડી છે તેમજ શહેરના બે બ્રિજ પણ બંધ કરવામાં આવ્યા છે lockdown ચુસ્તપણે અમલ થાય તે માટે 10 વોર્ડ માટે દસ અધિકારીઓને ખાસ જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં કોરોના કેસ સંખ્યા 4 હજાર ને પાર કરી ગઇ છે. શહેર માં હોટસ્પોટ ની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસ દરમ્યાન જોધપુર અને ચાંદખેડા વોર્ડ માંથી ખૂબ જ મોટી સંખ્યામાં કેસ બહાર આવી રહ્યા છે. જયારે રવિવારે મણિનગર વોર્ડ નો પણ રેડઝોન માં સમાવેશ કરવાની ફરજ પડી છે. જેના પગલે શહેર ના 48 પૈકી 10 વોર્ડ રેડઝોનમાં આવી ગયા છે. નોંધનીય છે કે 1લી મે ના રિપોર્ટ મુજબ મણિનગર માં કોરોના કેસ ની સંખ્યા 115 થઈ હતી. તેમજ તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
અગાઉ દાણીલીમડા, બહેરામપુરા, શાહપુર, ખાડિયા, જમાલપુર, દરિયાપુર, અસારવા, ગોમતીપુર અને સરસપુર પણ રેડઝોન જાહેર થયા છે. કોટવિસ્તાર ના જમાલપુર વોર્ડમાં કોરોના કેસ અને મરણ ની સંખ્યામાં સતત વધારો થઈ રહયો છે. એક અંદાજ મુજબ શહેર ના કુલ કેસ ના 33 ટકા કેસ માત્ર જમાલપુર વોર્ડ માં જ નોંધાયા છે.
કોરોના સંક્રમણ ને રોકવા માટે જમાલપુર અને દાણીલીમડા નો આંબેડકર બ્રીજ બંધ કરવામાં આવ્યા છે. અગાઉ નહેરુબ્રિજ તેમજ ગાંધીબ્રીજ ને પણ બંધ કરવામાં આવ્યા છે. જેના પગલે પૂર્વ – પશ્ચિમ અવર જવર માટે એલિસબ્રિજ અને સુભાષબ્રીજ જ ચાલુ રહેશે. મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા એ આજે વધુ એક વખત લોકડાઉન ના ચુસ્ત અમલ માટે લાચારી વ્યક્ત કરી હતી. તેમજ નાગરિકો ને દોષિત ઠેરવ્યા હતા.
શહેર ના દસ રેડઝોન માં લોકડાઉન નો ચુસ્ત અમલ કરાવવા માટે દસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ચીફ ફાયર ઓફિસર દસ્તુર ને જમાલપુર, યોગેશ મૈત્રક ને બહેરામપુરા, મનીષ માસ્ટર ને દાણીલીમડા, જીગ્નેશ પટેલ ને ગોમતીપુર, લગધીર દેસાઈ ને સરસપુર , રમેશ દેસાઈ ને અસારવા, હર્ષદ સોલંકી ને મણિનગર, પ્રીતમ રાઉત ને શાહપુર, દિપક ત્રિવેદી ને દરિયાપુર તેમજ મનીષ ત્રિવેદી ને ખાડિયા નો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ અધિકારીઓ પોલીસ વિભાગ સાથે સંકલન કરી ને લોકડાઉન ના અમલ માટે ફરજ બજાવશે.