મણિનગર, રામોલ અને ગોતામાં તસ્કરો ત્રાટક્યા
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના સોલા હાઈકોર્ટ, ખોખરા અને રામોલમાં ચોરીની ફરિયાદો નોંધાઈ છે. શહેરના ગોતા વિસ્તારમાં મહાત્મા ગાંધી વસાહતમાં રહેતા પીન્ટુભાઈ ભરવાડના ઘરમાં ધોળે દિવસે દરવાજાનું તાળુ તોડી તસ્કરો સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂ.૧.૩૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતાં સ્થાનિક નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે.
આ અંગે પીન્ટુભાઈએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ચોરીનો અન્ય એક બનાવ રામોલમાં બન્યો છે. રામોલ વિસ્તારમાં હરિક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા રેખાબહેન મેઘા ના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતાં અને ઘરમાંથી ત્રણ મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૂ.પ૭ હજારના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં રેખાબહેને આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચોરીનો અન્ય એક બનાવ ખોખરા વિસ્તારમાં બન્યો છે. મણિનગર પૂર્વમાં મ્યુનિ. સ્નાનાગરની બાજુમાં આવેલી ગંજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ મિસ્ત્રીના ઘરમાં ધોળે દિવસે તસ્કરો ત્રાટક્યા હતાં. ઘરના દરવાજાનો નકુચો તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતાં અને તિજારીમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.૩.પપ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.
આ અંગે ભાવેશભાઈએ પોલીસને જાણ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં. આટલી મોટી રકમના મુદ્દામાલની ચોરી થતાં પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતાં. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સમગ્ર ઘટનાની તપાસ ખોખરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર બી.જે.ઝાલા જાતે કરી રહયા છે.