મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રી ઘનશ્યામ મહાપ્રભુજીને ફૂલોનો શણગાર કરાયો
અમદાવાદ, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની ૧૧૬મી જયંતીની ઉજવણી ભૂમંડળ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ,મણિનગરનાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજ અનુજ્ઞાથી સદ્ગુરુ સંતો સદ્ગુરુ શ્રી મહામુનીશ્વરદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોએ સાથે મળીને આનંદોલ્લાસભેર કરી હતી.
જેમાં પૂજનીય સંતોએ જીવનપ્રાણ અબજીબાપાશ્રી તેમજ સદ્ગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીબાપાનું મહિમાગાન, સંતવાણી, બાપાશ્રીની વાતોનુ પૂજન, અર્ચન, આરતી તેમજ ઓનલાઈન દર્શન – શ્રવણ કર્યું હતું.
વળી, વિશ્વ વિખ્યાત ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ મણિનગરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરે ગ્રીષ્મ ઋતુને ધ્યાને રાખી શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી સહજાનંદ સ્વામી મહારાજ, જીવનપ્રાણ અબજીબાપાશ્રી, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને પણ ગરમીમાં કુદરતી ઠંડક મળી રહે તેવા હેતુથી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો દ્વારા જૂઈ, ડોલર, મોગરા તેમજ ગુલાબ સહિતના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.
ભગવાન સુગંધિત ફૂલોથી છવાઇ ગયા હતા. હરિના અંગોઅંગ પર ફૂલોનાં શણગાર ઓપી રહ્યાં હતાં. ફૂલોના શણગારને લીધે મંદિરનું ગર્ભગૃહ સુગંધિત થયું હતું.
વૈશાખ માસની કાળઝાળ ગરમીમાં ભગવાનને ઠંડક પ્રાપ્ત થાય તેવા ભકિતભાવથી આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને રંગબેરંગી વિશિષ્ટ ફૂલોના શણગાર ધરાવવામાં આવ્યા હતા.