મણિપુરમાં આસામ રાઈફલ્સની બટાલિયન પર હુમલો: ૭નાં મોત
ઇમ્ફાલ, આસામ રાઈફલ્સની ૪૬મી બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર (સીઓ), તેમના પરિવારના બે સભ્યો અને ચાર અર્ધલશ્કરી દળના જવાનો શનિવારે મણિપુરમાં ઓચિંતા હુમલામાં માર્યા ગયા હતા.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે હુમલાની આકરી નિંદા કરતા કહ્યું કે મણિપુરના ચુરાચંદપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પર થયેલો હુમલો કાયરતાપૂર્ણ અને નિંદનીય છે. આ હુમલામાં સામેલ ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં. તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ગુનેગારોને જલ્દી જ સજા અપાશે.
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે પણ આ હુમલાની સખત નિંદા કરી છે. તેમણે કહ્યું- હું ૪૬ આસામ રાઈફલ્સના કાફલા પરના આ કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરું છું જેમાં આજે ચુરાચંદપુમાં સીઓ અને તેમના પરિવાર સહિત કેટલાક જવાનો માર્યા ગયા હતા.
રાજ્ય દળો અને અર્ધલશ્કરી દળો પહેલેથી જ આતંકવાદીઓને પકડવા માટે કામ કરી રહ્યા છે. દોષિતોને બક્ષવામાં આવશે નહીં. ટૂંક સમયમાં જ તેઓને ઝડપી પાડીને કડક સજા કરવામાં આવશે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું- હું મણિપુરના ચુરાચંદપુરમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. દેશ આ બહાદુર સપૂતોનો હંમેશા ઋણી રહેશે. ભગવાન શોકગ્રસ્ત પરિવારના સભ્યોને નુકસાન સહન કરવાની શક્તિ આપે.
એક અહેવાલ મુજબ, આ ઘટના મ્યાનમારની સરહદે આવેલા ચુરાચંદપુર જિલ્લામાં બની હતી. એવું કહેવાય છે કે આતંકવાદીઓએ આસામ રાઈફલ્સના કાફલા પર હુમલો કર્યો અને આઈઈડી વડે આ હુમલો કર્યો. અહેવાલો અનુસાર, આ હુમલામાં ૪૬ આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ બિપ્લબ ત્રિપાઠીની પત્ની અને પુત્રનું પણ મોત થયું હતું. કર્નલ ત્રિપાઠી છત્તીસગઢના રાયગઢ જિલ્લાના રહેવાસી હતા.
સૈન્યના એક અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓએ પહેલા ૪૬ આસામ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ બિપ્લબ ત્રિપાઠીના કાફલા પર હુમલો કરવા માટે આઈઈડી વિસ્ફોટ કર્યો અને પછી મણિપુરના ચુરાચંદપુરમાં દળના વાહનો પર ગોળીબાર કર્યો.
કમાન્ડિંગ ઓફિસર તેમના ફોરવર્ડ કંપની બેઝથી તેમના બટાલિયન હેડક્વાર્ટર પરત ફરી રહ્યા હતા. એક એજન્સીના જણાવ્યા અનુસાર, હજુ સુધી કોઈપણ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી.SSS