Western Times News

Gujarati News

મણીનગરઃ જુની અદાવતમાં કાપડનાં વેપારીની હત્યા

અમદાવાદ : રામોલ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના નોંધાતા ચકચાર મચી છે. વેપારીને ત્રણ શખ્સોએ લાકડી તથા અન્ય સાધનો વડે માર મારતાં ગંભીર રીતે ઘાયલ વેપારીએ દવાખાનાના બિછાને મૃત્યુ પામ્યા હતાં. પોલીસે ત્રણેય આરોપીઓની તુરંત અટક કરી છે.

આ ઘટનાની વિગત એવી છે કે રાજુભાઈ લાલજીભાઈ રાવળ રામોલ નસીમપાર્કની બાજુમાં નૈયા એપાર્ટમેન્ટ ખાતે રહેતાં હતા. તથા રતનપોળમાં છુટક કાપડનો વેપાર કરતાં હતા. દશેરાનાં દિવસે તે આલોક ૫ સામે આવેલી ક્રિષ્ના ચવાણા માર્ટમાં નાસતો લેવા ગયા હતાં. જ્યાં તેમને દુકાનના કારીગર સાથે ઝઘડો થયો હતો.

આ ઘટના બાદ મંગળવારે રાજુભાઈ ફરી આ દુકાને ગયા હતા અને માલિક જયંતી ઉર્ફે જીતુભાઈ દેવાશીને ઝઘડો કરનાર કારીગર અંગે પૂછપરછ કરતાં તે ઊશ્કેરાઈ ગયા હતા. જીતુભાઈએ રાજુભાઈ સાથે ગાળાગાળી કરતાં તેમની દુકાનમાં કામ કરતાં અન્ય બે કારીગરો લક્ષ્મણ દેવાશી અને નારણ દેવાશી પણ આવી પહોંચ્યા હતાં. ત્રણેય ભેગાં મળી રાજુભાઈ સાથે ઝઘડો કરી લાકડીઓ વડે હુમલો કરતાં તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

આ ઘટના બાદ તુરંત રાજુભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે તેમનું નિવેદન લીધું હતું. જાકે માથામાં તથા અન્ય જગ્યાએ ગંભીર ઈજાઓ થતાં તેમની તબિયત લથડી હતી અને બુધવારે સવારે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જેથી પોલીસે હત્યાની કલમનો ઊમેરો કરી ત્રણેયની અટક કરી હતી.

આ અંગે મણીનગર પોલિસે સઘન કાર્યવાહી કરતાં બુધવારે દિવસ દરમ્યાન ત્રણેય આરોપીઓની શોધખોળ બાદ ધરપકડ કરી હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પૂછપરછ બાદ પોલિસે અન્ય લોકોના નીવેદનો લીધા હતા અને આરોપીને કોર્ટમાં રજૂ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.