મણીનગરની મહીલાને બ્લેકમેઈલ કરી રૂા.૧૦.૭પ લાખની રકમ પડાવી
બાદમાં પતિને મારી નાંખવાની ધમકી આપતા મહીલાનો આત્મહત્યાનો પ્રયાસ
(પ્રતિનિધિ) અમદાવાદ: ફેસબુક દ્વારા ફ્રેન્ડશીપ કરીને મહીલાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ તેના પરીવારને જાણ કરી દેવાની ધમકી આપ્યાનો કિસ્સો બહાર આવ્યો છે. આરોપીએ મહીલાને વારંવાર ધમકીઓ આપીને રૂપિયા દસ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી. ઉપરાંત વધુ રકમની માંગણી કરતા મહીલાને પરીવારને જાણ કરી હતી અને આરોપીને ઘરે પહોંચતા તેણે મહીલાના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જેના પગલે દબાણમાં આવેલી મહીલાએ ઉંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા મણીનગર પોલીસે આરોપી વિરુધ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
આ અંગેની વિગત એવી છે કે નિરાલી (કાલ્પનિક નામ) નામની મહીલા બે સંતાન તથા પતિ સહીત પરીવાર સાથે મણીનગર ખાતે રહે છે અને વિડીયો તથા ફોટોગ્રાફીનો વ્યવસાય કરે છે સપ્ટેમ્બર ર૦ર૦માં આકાશ ઓઢવની (શરણ સેફાયર, મોટેરા)એ ફેસબુક દ્વારા તેમનો સંપર્ક કર્યા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. ટુંકાગાળામાં નિરાલી વિશેની બધી માહીતી મેળવ્યા બાદ તેણે રૂપિયાની માંગણી કરી રૂપિયા ન આપે તો તેના પતિ તથા સાસરીયાઓને પ્રેમસંબંધની જાણ કરી બદનામ કરવાની ધમકી આપી હતી જેથી નિરાલીએ ટુકડે ટુકડે રૂપિયા બે લાખ ત્રેવીસ હજાર તેને આપ્યા હતા.
જાેકે આકાશે બાદમાં આઠ લાખની રકમ માંગીને ફરીથી બ્લેકમેઈલ કરતાં નિરાલીએ નોટરી કરાવીને આ રકમ આકાશના કહયા અનુસાર તેના પિતા નંદલાલના ખાતામાં મોકલ્યા હતા. આટલેથી ન અટકતા નિરાલીના પિતાનું કોલકતા ખાતેનું ઘર વેચી રૂપિયા આપવા દબાણ કરતા નિરાલીએ પતિ સહીત પરીવારને આ સંબંધો અને બ્લેકમેઈલીંગ અંગેની જાણ કરી દીધી હતી.
જેને પગલે નિરાલીના પતિ અને પરીવાર તેને લઈ આકાશના ઘરે પહોચ્યા હતા જયાં નંદલાલે દિકરા આકાશે તેમની પાસેથી સાડા આઠ લાખ રૂપિયા લીધાની વાત સ્વીકારી હતી પરંતુ તે રૂપિયા પરત આપવાની ના પાડી હતી.
આ અંગે આકાશને જાણ થતાં નિરાલીને ફોન કરી મારા ઘરે કેમ ગયેલા અને તુ મને વધુ પૈસા નહી આપે તો હું તને છોડીશ નહી અને તારા પતિનું મર્ડર કરી દઈશ તેવી ધમકીઓ આપતા ડિપ્રેશનમાં આવી ગયેલી નિરાલીએ પોતાના ઘરે ઉંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
બે દિવસ હોસ્પીટલમાં સારવાર લીધા બાદ મણીનગર પોલીસ સ્ટેશનમાં આકાશ તથા તેના પિતા નંદલાલ વિરુધ્ધ ૧૦.૭પ લાખની રકમ પડાવી લેવા તથા ધમકીઓ આપવાની ફરીયાદ નોંધાવી હતી.