મણીનગરમાં બાળકોની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ

प्रतिकात्मक
“લીટલ ફ્લાવર” હોસ્પિટલ બિલ્ડિંગનો વપરાશ ગેરકાયદેસર હોવાના આક્ષેપ
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, કોરોના મહામારી દરમ્યાન દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે આશયથી મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ૯૦ જેટલી ખાનગી હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા છે. મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા જે હોસ્પિટલોને કોવિડનો દરજ્જાે આપવામાં આવ્યો છે તે પૈકી મોટાભાગની હોસ્પિટલોમાં લાલિયાવાડી ચાલી રહી છે. તેમજ કેટલીક હોસ્પિટલોના બાંધકામ પણ મંજૂર વિના કરવામાં આવ્યા છે. જેના કારણે દર્દીઓની જીંદગી જાેખમમાં મૂકાય છે. નવરંગપુરા શ્રેય હોસ્પિટલની દુર્ઘટનામાં આઈ દર્દીઓએ જીંદગી ગુમાવી હતી. આગ હોનારત બાદ હોસ્પિટલમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી હતી. મણિનગર વિસ્તારમાં પણ મનપા દ્વારા બિલ્ડિંગનો ગેરકાયદેસર વપરાશ કરતી હોસ્પિટલને કોવિડ દરજ્જાે આપવામાં આવ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે જે હોસ્પિટલમાં બાળકોની સારવાર કરવામાં આવે છે તેમાં હાલ કોવિડ દર્દીઓની સારવાર થઈ રહી છે. તથા મુખ્ય તબીબની અન્ય એક હોસ્પિટલનું બાંધકામ સરકારી જમીન પર કરવામાં આવ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ડેલીગેટ રાજેશભાઈ સોનીએ આ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા મણીનગર વિસ્તારમાં ઉત્તમનગર ગાર્ડન પાસે આવેલી “લીટલ ફ્લાવર” નામની હોસ્પિટલને કોવિડના દર્દીઓની સારવાર માટે પરવાનગી આપવામાં આવી છે. પરંતુ આ હોસ્પિટલનો વપરાશ સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે થઈ રહ્યો છે. હોસ્પિટલ જે બિલ્ડિંગમાં કાર્યરત છે તે બિલ્ડિંગના પ્લાન રહેણાંક હેતુ માટે મંજૂર કરવામાં આવ્યા હતા. રહેણાંક મિલ્કતનો ગેરકાયદેસર રીતે હોસ્પિટલ તરીકે વપરાશ થઈ રહ્યો છે. તેમ છતાં મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા આ હોસ્પિટલ સાથે કરાર કરવામાં આવ્યા છે તથા કોવિડ દર્દીઓની સારવાર માટે પરવાનગી આપવામાં આવી છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને તાકીદે અન્ય સ્થળે ખસેડી બિલ્ડિંગને સીલ કરવામાં આવે તે જરૂરી છે. શ્રેય હોસ્પિટલ જેવી કોઈ દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોની રહેશે ? મ્યુનિ.તંત્ર દ્વારા તમામ મામલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. “લીટલ ફ્લાવર” બાળકો માટેની હોસ્પિટલ છે.
તેમ છતાં તેમાં કોવિડના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. આ તબીબ વટવામાં મ્યુનિ.કોર્પાેરેશન સંચાલિત કાશીબા હોસ્પિટલમાં માનદ સેવા આપી રહ્યા છે તેથી કદાચ તેમનું ઋણ ઉતારવા માટે પણ આરોગ્યખાતા દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હશે તેવા કટાક્ષ પણ તેમણે કર્યું હતું.
મણીનગર “લીટલ ફ્લાવર” હોસ્પિટલ અંગે સ્થાનિક અગ્રણીઓના જણાવ્યા મુજબ હોસ્પિટલનું બાંધકામ ચાલી રહ્યું હતું તે સમયે તેને રોકવામાં આવ્યું હતું તથા લગભગ એક વર્ષ સુધી કામ બંધ રહ્યું હતું. ઉચ્ચકક્ષાએથી દબાણ આવ્યા બાદ બિલ્ડિંગનું કામ પૂર્ણ થયું હતું. તથા તેમાં હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. તેમજ રહેણાંક બિલ્ડિંગમાં કાર્યરત હોસ્પિટલને ફાયર એન.ઓ.સી પણ ઈસ્યુ કરવામાં આવી છે. જાણકાર સૂત્રોએ જણાવ્યા મુજબ “લીટલ ફ્લાવર”ના મુખ્ય તબીબ (માલિક)ની ઈસનપુર હાઈવે ચાર રસ્તા પાસે પણ એક હોસ્પિટલ છે. ઈસનપુરની હોસ્પિટલ જે બિલ્ડિંગમાં કાર્યરત છે તે બિલ્ડીંગનું બાંધકામ સરકારી જમીન પર કરવામાં આવ્યું છે. લીટલ ફ્લાવર હોસ્પિટલની કાયદેસરતાનો મુદ્દો બહાર આવ્યા બાદ મનપા દ્વારા તેને ડી.નોટીફાય કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.