મણીનગર અને અશોક મીલ પાસે લુંટારૂ રીક્ષા ગેંગ ત્રાટકી
મણીનગરમાં બાઈકને ટક્કર મારી યુવકને લૂંટી લીધોઃ અશોક મીલ પાસે મોડી રાત્રે યુવકને ઢોર માર મારી લૂંટી લીધા બાદ રસ્તા ઉપર ફેંકી દીધો |
અમદાવાદ : અમદાવાદ શહેરમાં એકબાજુ ટ્રાફિકના નિયમોનો અમલ આજથી શરૂ કરી દેવાયો છે ત્યારે બીજી બાજુ પોલીસની નિષ્ક્રિયતાથી શહેરમાં ઠેર ઠેર ખુલ્લેઆમ શટલ રીક્ષાઓ ફરી રહી છે. જેનો ગેરલાભ કેટલીક લુંટારૂ ટોળકી ઉઠાવી રહી છે. અમદાવાદ શહેરમાં કેટલીક રીક્ષાઓં ફરતી લૂંટારૂ ટોળકી રીક્ષામાં ફરી રહી છે. પરંતુ પોલીસ તંત્ર દ્વારા અસરકારક કામગીરી નહીં કરવામાં આવતા આવી રીક્ષા ગેંગોનો આતંક વધી રહ્યો છે. શહેરના શહેરકોટડા અને મણીનગર વિસ્તારમાં એક જ મોડસ ઓપરેન્ડીથી લૂંટારૂ ટોળકીએ રીક્ષામાં બેઠેલા પ્રવાસીઓને લૂંટી લેતા નાગરીકોમાં ભારે રોષ ફેલાયો છે.
આ અંગેની વિગત એવી છે કે મૂળ સુરતનો યુવાન નિકુંજ અરવિંદભાઈ બરવાડીયા વડોદરા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. અને એ બે દિવસ પહેલાં અમદાવાદમાં રહેતા તેના મિત્રને મળવા આવ્યો હતો. ત્યારબાદ તે ગઈકાલે રાત્રે બાપુનગરથી પુનઃ વડોદરા જવા માટે રીક્ષામાં બેસી સીટીએમ એક્ષપ્રેસ હાઈવે પર જવા નીકળ્યો હતો. આ રીક્ષામાં પહેલેથી જ બે પ્રવાસીઓ બેઠા હતા.
રીક્ષાચાલકે બંન્ને પ્રવાસીઓને ઇન્ડસ્ટ્રીય એસ્ટેટમાં ઉતારવાના હોવાથી રીક્ષાને બાપુનગર નજીક આવેલી અશોક મીલ સ્મશાન તરફ વાળી હતી. રાત્રીના સવા બાર વાગ્યાની આસપાસ અશોક મીલ સ્મશાન પાસે રીક્ષા પહોંચી ત્યારે તેના ચાલકે રીક્ષા અટકાવી દીધી હતી. નિકુંજ બરવાડીયા કશું સમજે એ પહેલાં જ રીક્ષામાં પાછળની સીટ ઉપર બેઠેલા બે શખ્સોએ ચપ્પા કાઢી નિકુંજને ધમકાવ્યો હતો. અને તેની પાસે જે કંઈ હોય
એ આપી દેવા જણાવ્યુ હતુ. પ્રારંભમાં સુરતના યુવાને પ્રતિકાર કરતાં યુવાનને લૂંટારૂઓએ ઢોર માર માર્યો હતો. અને તેની પાસેથી કિંમતી મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા તેમજ લાયસન્સ અને દસ્તાવેજા ભરેલું પર્સ લૂંટી લીધું હતુ. યુવક બુમાબુમ કરે એ પહેલાં જ લૂંટારૂઓએ ચાલુ રીક્ષાએ ધક્કો મારી રસ્તા ઉપર ફેંકી દીધો હતો. અને ત્યાંથી આ ગેંગ ફરાર થઈ ગઈ હતી.
રસ્તા પર પટકાયેલા આ યુવકે નાગરીકને અટકાવીને તેની પાસેથી મોબાઈલ ફોન ઉપર તેના મિત્રનો સંપર્ક સાધી સમગ્ર માહીતી જણાવી હતી. તેનો મિત્ર પરમજીત દોડી આવ્યો હતો. અને તાત્કાલિક નિકુંજને લઈને શહેર કોટડા પોલીસ સ્ટેશને પહોંચી ગયો હતો. શહેરકોટડા પોલીસમાં લૂંટની ફરીયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી છે.રીક્ષામાં ફરતી આ લૂંટારૂ ટોળકી મણીનગરમાં પણ ત્રાટકી હતી. અને ત્યાં પણ પ્રવાસીને લૂંટી ફરાર થઈ ગઈ હતી.
આ અંગેની વિગત એવી છે કે શહેરના સરસપુર અંબર સિનેમા પાસે બોમ્બે હાઉસિંગના મકાનમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ભોગીલાલ શ્રીમાળી જવાહર ચોક ખાતે હોન્ડા ડીલરશીપમાં લોન ડીપાર્ટમેન્ટમાં છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરે છે. અને સવારના અગીયારવાગ્યાના સુમારે ઓફિસના સ્થળેથી ફાયનાન્સના કામ માટે ગોળલીમડા મ્યુનિસિપલ કોઠાની પાસે આવેલી એક ઓફિસ જવા નીકળ્યા હતા. અને ઓફિસનું કામ પતાવીને ગોળલીમડાથી ઓફિસ તરફ જઈ રહ્યા હતા
આ દરમ્યાનમાં સવારે અગીયાર વાગ્યાની આસપાસ રામબાગ બીઆરટીએસ બસસ્ટેન્ડ પાસે સ્વામિનારાયણ મંદિરની ગલીમાંથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાજુમાં આવેલા દવાખાનાની સામે પાછળથી એક સીએનજી ઓટોરીક્ષા તેની નજીક આવી હતી અને મારી બાઈકને પાછળથી ટક્કર મારી અથડાવી હતી.
ચાલુ રીક્ષાએ જ અંદર બેઠેલા શખ્સોએ મારી સાથે ઝઘડો કરી બાઈક ઉભુ રખાવ્યુ હતુ. અને ઢોર માર માર્યો હતો. અકસ્માત કરીને મારામારી કર્યા બાદ તેમના શર્ટમાંથી મોબાઈલ ફોન લુંટી લીધો હતો અને ત્યાંથી ગણતરીની મિનિટોમાં ભૈરવનાથ રોડ ઉપર આ શખ્સો રીક્ષામાં બેસી પલાયન થઈ ગયા હતા. ત્યારબાદ ધર્મેન્દ્ર શ્રીમાળી મણીનગર પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. અને ત્યાં રીક્ષામાં ફરતી આ ગેંગ સામે ફરીયાદ નોંધાવતા પોલીસે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.