મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પી.પી. સ્વામી બ્રહ્મલીન
અનુગામી આચાર્ય જીતેન્દ્રપ્રિયદાસજીએ મુખાગ્નિ આપ્યોઃ દેશ-વિદેશમાં લાખો હરિભક્તો શોકમાં
(પ્રતિનિધિ) અમદાવાદ, દેશ-વિદેશમાં લાખો અનુયાયીઓને ધર્મ- સદાચારનો માર્ગ બતાવનાર મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજ બ્રહ્મલીન થતા તેમના સેંકડોની સંખ્યામાં રહેલા હરિભક્તોમાં ઘેરાશોકની લાગણી પ્રસરી ગઈ છે.
છેલ્લા કેટલાક દિવસોથી મહારાજશ્રીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. તો બીજી તરફ તેમના ફેફસામાં ઈન્ફેકશન થઈ ગયુ હતુ જેને કારણે તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ સારવાર દરમિયાન તેમની તબિયત લથડી હતી.
સ્વામી મહારાજ બ્રહ્મલીન થયાના સમાચાર મળતા જ લાખો હરિભક્તોની આંખમાંથી અશ્રુઓ વહેતા થઈ ગયા હતા અને શોકમગ્ન હરિભક્તો મંદિરે પહોંચી ગયા હતા. સ્વામીના પાર્થિવ દેહને તેમના અનુગામી આચાર્ય જીતેન્દ્રપ્રિય દાસજીએ મુખાગ્નિ આપ્યો હતો તેમની અંતિમવિધિમાં સિમિત સંખ્યામાં હરિભક્તો- આચાર્ય હાજર રહયા હતા.
હાલમાં કોરોના કાળનો સમય ચાલતો હોવાથી હરિભક્તોને મંદિરે નહી આવવા વિનંતી કરવામાં આવી હતી. વેબસાઈટ પર દર્શન કરવા હરિભક્તોને અનુરોધ કરાયો હતો. સ્વામીજીના લાખો હરિભક્તો દેશ- વિદેશમાં છે. ભારત, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ફલોરીડા, કેલિફોર્નિયા સહિતના દેશો- શહેરોમાં તેમના લાખો અનુયાયીઓ શોકમગ્ન થઈ ગયા હતા.
સ્વામીજીની નાદુરસ્ત તબિયતને ધ્યાનમાં લેતા તેમના સ્થાને તેમના અનુગામી તરીકે આચાર્ય જીતેન્દ્રપ્રિયદાસજી મહારાજને જવાબદારી સોંપાઈ હતી. આચાર્ય જીતેન્દ્ર પ્રિયદાસજી મહારાજે બ્રહ્મલીન સ્વામી મહારાજને મુખાગ્નિ આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીનો જન્મ ભૂજ તાલુકાના ભારાસાર ગામે ર૮મે ૧૯૪રના રોજ થયો હતો. તેમના પિતાજી ખેડૂત હતા.
પહેલેથી જ સ્વામી મહારાજની ધર્મ પ્રત્યે અથાગ નિષ્ઠા હતી. ર૧ માર્ચ ૧૯૬રના રોજ તેમણે દિક્ષા લીધી હતી તે પછી તેઓએ સતત ધર્મનો વ્યાપ વધાર્યો હતો. લાખો હરિભક્તોને સદાચારનો માર્ગ બતાવ્યો હતો.
સ્વામીશ્રીના લાખો અનુયાયીઓ વિદેશના અનેક દેશોમાં છે તથા ગાદી સંસ્થાનના મંદિરો પણ દેશ- વિદેશમાં છે. અમદાવાદમાં ૧૯૯૧માં તેમણે સ્મૃતિ મંદિર ઘોડાસરની સ્થાપના કરી હતી. ઓસ્ટ્રેલિયા, ફલોરિડા, કેનેડા તથા કેલિફોર્નિયામાં ગાદી સંસ્થાનના અનેક મંદિરો આવેલા છે તો ગુજરાત સહિત ભારતમાં પણ ગાદી સંસ્થાનના અનેક મંદિરો આવેલા છે.
મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરૂષોત્તમ પ્રિયદાસજી સ્વામીની થોડા દિવસ પહેલા તબિયત લથડી હતી.
તેમનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યા પછી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં તેમને સારવાર આપવામાં આવતી હતી. દરમિયાનમાં તેમના ફેફસામાં ઈન્ફેકશન વધતા મુંબઈથી નામાંકિત ડોકટરોને પણ બોલાવવામાં આવ્યા હતા.
તેમની શ્રેષ્ઠ પ્રકારની સારવારની સાથે નિષ્ણાંત ડોકટરોની ટીમ સતત તૈનાત રહેતી હતી. લાખો હરિભક્તોએ સ્વામીજીની તબિયતને લઈને પ્રાર્થના કરી હતી. પરંતુ સ્વામી મહારાજે દેહ છોડયો હતો. મહારાજશ્રી બ્રહ્મલીન થતા લાખો હરિભક્તોમાં ઘેરો શોક ફેલાયો હતો. હરિભક્તો સ્વામીજીના અંતિમ દર્શન કરવા માંગતા હતા.
પરંતુ હાલમાં કોરોનાની મહામારીની સ્થિતિને જાેતા હજારો હરિભક્તોને ગાદી સંસ્થાન મંદિર નહી આવવા અપિલ કરાઈ હતી. ખૂબજ સિમિત હરિભક્તોની ઉપસ્થિતિમાં તેમને તેમના અનુગામી આચાર્યશ્રીએ મુખાગ્નિ આપ્યો હતો. સ્વામી મહારાજનો દેહ પંચમહાભૂતમાં વિલિન થતા હરિભક્તોની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી. લાખો હરિભક્તોએ ઓનલાઈન અંતિમવિધીના દર્શન કર્યા હતા.