મણીપુરની રાજધાની ઇમ્ફાલમાં વિસ્ફોટ, 4 પોલીસને ઇજા
ઇમ્ફાલ, મણીપુરની રાજધાની ઇમ્ફાલમાં આજે મંગળવારે સવારે થયેલા એક બોમ્બ વિસ્ફોટમાં ચાર પોલીસ જવાનો અને એક નાગરિકને ઇજા થઇ હતી. જે વિસ્તારમાં વિસ્ફોટ થયો એ ધગલ બજારમાં બિહારી મજૂરોની સંખ્યા ખૂબ મોટી છે એટલે આતંકવાદી સંસ્થાએ આ વિસ્ફોટ કરાવ્યો હશે એમ પોલીસ માને છે. થોડા દિવસ પહેલાં જમ્મુ કશ્મીરમાં સફરજનના બગીચામાં કામ કરતા બંગાળીભાષી મજૂરો પર હુમલો થયો હતો અને ચાર પાંચ મજૂરોની હત્યા પણ કરાઇ હતી. પશ્ચિમ બંગાળની સરકારે જમ્મુ કશ્મીરમાંથી બંગાળી મજૂરોને પાછા લાવવાની જાહેરાત કરી હતી.
ઇમ્ફાલના બોમ્બ વિસ્ફોટની જવાબદારી કોઇ કહેતાં કોઇ મણીપુરી આતંકવાદી સંસ્થાએ લીધી નથી. પોલીસે સમગ્ર વિસ્તારને વિસ્ફોટ પછી તરત ખાલી કરાવ્યો હતો. ઇજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. એક નાગરિક પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. વિસ્ફોટ કરનારા હુમલાખોરની તપાસ પોલીસ કરી રહી છે.