મતદાનમાં બંદોબસ્તની ફરજની સાથે વડીલ મતદારોને પોલીસકર્મીઓએ કરી મદદ
વોર્ડ ચૂંટણીના મતદાનમાં ફરજ પરના પોલીસકર્મીઓનો માનવીય ચહેરો:
વડોદરા, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં.૧૩ની એક બેઠકની પેટા ચૂંટણીમાં મતદાન મથકે બંદોબસ્ત માટે મુકવામાં આવેલા પોલીસ કર્મચારીઓનો માનવીય ચહેરો જોવા મળ્યો હતો. મતદાન કરવા આવતા વડીલજનોને પોલીસ કર્મચારીઓ મદદ કરતા નજરે પડ્યા હતા.તેઓ વયોવૃદ્ધ મતદારોનો હાથ સાહીને મત કુટીર સુધી લઈ જતા અને અન્ય રીતે મદદરૂપ બનતા જોવા મળ્યા હતા.
આમ જોઈએ તો પોલીસની ફરજ મતદાન મથકે કાયદો વ્યવસ્થા જાળવીને શાંતિપૂર્વક મતદાન થાય એની કાળજી લેવાની છે. તેમ છતાં, ગણવેશધારીઓ મતદાન મથકે નિસહાય મતદારોને સહાયક બનવાની ફરજ અદા કરે એ કર્તવ્યનિષ્ઠા દાદ ને પાત્ર ગણાય. પોલીસકર્મમાં કાયદા પાલનની કડકાઈની સાથે આ પ્રકારનું સૌજન્ય ઉમેરાય ત્યારે એ માનવીય પોલીસ કર્મ બને છે.