મતદાન કરવા માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવા જિલ્લા ચૂંટણી અધિકારીનો હુકમ
વડોદરા, રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની મહાનગરપાલિકા-નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તા.૨૧ ફેબ્રુઆરી-૨૦૨૧ને રવિવારના રોજ અને જિલ્લા-તાલુકા પંચાયત, ડભોઇ, પાદરા તથા સાવલી નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તા.૨૮ ફેબ્રુઆરી-૨૦૨૧ને રવિવારના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે.
શહેરો, નાના-મોટા ગામોમાં કેટલીક ગ્રામીણ, રાષ્ટ્રીય તેમજ ખાનગી બેંકો, રાજય-કેન્દ્ર સરકારની આવશ્યક સેવાઓ અંગેની કેટલીક કચેરીઓ તેમજ દુકાનો, વાણિજ્ય સંસ્થાઓ, હોટલ, ઔદ્યોગિક એકમો, કારખાનાઓ, ફેક્ટરી, રેલ્વે, ટેલિફોન, તાર, ટપાલ, સ્પીડ પોસ્ટ, સરકારી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, ફાયરબ્રિગેડ અને આવશ્યક સેવાઓ આપતી અન્ય સંસ્થાઓ, કચેરીઓ મતદાનના દિવસે પણ તેમની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
આ સંજોગોમાં આ કચેરીઓ, સંસ્થાઓના કામદારો-કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા તા.૨૧ ફેબ્રુઆરી-૨૦૨૧ના રોજ હુકમ કર્યો છે.
વડોદરા મહાનગરપાલિકાના સમાવિષ્ટ તમામ વિસ્તાર અને તા.૨૮ ફેબ્રુઆરી-૨૦૨૧ના રોજ વડોદરા જિલ્લા-તાલુકા પંચાયતના સમાવિષ્ટ તમામ વિસ્તાર તેમજ ડભોઇ, પાદરા તથા સાવલી નગરપાલિકાના સમાવિષ્ટ વિસ્તાર પૂરતા મતદાન કરવા માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવામાં આવે અથવા જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ ચાલુ રાખીને અવેજી-બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે હુકમ કર્યો છે.