મતદાન જાગૃતિ અંગે AMC દ્વારા મેગા ડ્રોઇંગ કોમ્પિટિશન યોજાઈ
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત અમદાવાદ શહેરી વિસ્તારમાં ૧૦૦ % મતદાન કરવા લોકો જાગૃત બને, મતદાન કરવા પ્રેરાય એ માટે સ્વીપ / ટીપ અંતર્ગત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જુદા જુદા વિસ્તારોને આવરી લઇ તા. ૭ મે, ૨૦૨૪ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીમાં લોકો મતદાન કરી પોતાની નૈતિક ફરજ નિભાવે અને એક વોટની તાકાત, લોકશાહીના ભવ્ય મહાઉત્સવનું સેલિબ્રેશન થાય,
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું જતન થાય, લોકશાહી મજબૂત બને તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદના ૧,૬૬,૦૦૦ વિદ્યાર્થીઓની “ચૂનાવ કા પર્વ દેશ કા ગર્વ” ની થીમ ઉપર “દસ મિનીટ દેશ માટે, ચૂંટણી લોકશાહીનું મહાપર્વ, મતદાન લોકશાહીનો પ્રાણ , મતદાન આપણી ફરજ , વોટ એજ મારો સંદેશ ” જેવા જુદા જુદા વિષયોને લઇને શાળાકક્ષાએ શિક્ષકોની મદદથી ડ્રોઇંગ કોમ્પિટિશન યોજાઇ હતી.
આ ડ્રોઇંગ કોમ્પિટિશનમાં ધો.૫ થી ૮માં શાળાકક્ષાએ પ્રથમ ૧ થી ૫ ક્રમે વિજેતા થયેલા વિદ્યાર્થીઓએ ગાંધીનગર લોકસભા વિસ્તારની તમામ શાળાઓના ૭૦૦ વિદ્યાર્થીઓ વસ્ત્રાપુર તળાવ ખાતે, અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારની તમામ શાળઓના ૭૦૦ વિદ્યાર્થીઓ જડેશ્વર વન ખાતે અને અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારની તમામ શાળઓના ૭૦૦ વિદ્યાર્થીઓ કાંકરિયા તળાવ ખાતે “ચૂનાવ કા પર્વ દેશ કા ગર્વ”ની થીમ પર સવારે ૮-૦૦ થી ૯-૦૦ કલાક સુધી ડ્રોઇંગ કોમ્પિટિશન આયોજન કરાયું હતું.
આ ડ્રોઇંગ કોમ્પિટિશનમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જેના કારણે આબેહૂબ ચિત્રકળા પ્રદર્શન યોજાયું હોય તેવું વાતાવરણ ઉભુ થયું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ગાંધીનગર લોકસભા, અમદાવાદ પૂર્વ લોકસભા, અને અમદાવાદ પશ્ચિમ લોકસભાના ૨૨૦૦૦ જેટલા વાલીઓ અને સવારે મોર્નિંગ વોક માટે
આવેલા શહેરીજનોએ મ્યુનિ. શાળાના આ બાળકોની ડ્રોઇંગ કોમ્પિટિશનની આબેહૂબ કલા કારીગરી નિહાળી પ્રશંસા કરી અને તેમને માર્ગદર્શન આપનાર શિક્ષકોની કામગીરીને પણ બિરદાવી હતી. આ ચિત્ર સ્પર્ધાના બાળ ચિત્રકારોને પ્રથમ ક્રમે વિજેતા થનારને રૂ.૨૧૦૦/-, દ્વિતીય ક્રમે વિજેતા થનારને રૂ.૧૫૦૦/- તૃતીય ક્રમે વિજેતા થનારને રૂ.૧૧૦૦/-નું ઇનામ આપવામાં આવ્યું.
આ મેગા ઇવેન્ટને સફળ બનાવવા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સૌ અધિકારીશ્રીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.