મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત બાલાસિનોર ખાતે યોજાયેલ બાઇક રેલી
ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર શ્રી વિમલ ચૌધરીએ બાઇક રેલીને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું -નગરજનો અને મતદારોમાં બાઇક રેલીએ આકર્ષણ જમાવ્યું
લુણાવાડા, મહીસાગર જિલ્લામાં આગામી ૨૮મી ફેબ્રુઆરી-૨૦૨૧માં જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો અને જિલ્લામાં સમાવિષ્ટ છ તાલુકા પંચાયતની ૧૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ત્યારે ‘આપણા સૌ નો એક જ નિર્ધાર બાકી ન રહે કોઈ મતદાર…’’ આ હેતુને સાકાર કરવા અને સો ટકા મતદાન થાય અને લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને વધુ મજબુત બનાવે તે માટે મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આર. બી. બારડના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહયું છે.
મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે સ્વીપના નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પી. એન. મોદી દ્વારા મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીને અનુલક્ષી મતદાર જાગૃતિ માટે COVID-19 ની ગાઇડ લાઇનને અનુસરીને બાલાસિનોર નગરમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બાઇક રેલીને ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટરશ્રી વિમલ ચૌધરીએ પ્રાંત કચેરીના કંપાઉન્ડ માંથી લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ બાઇક રેલીને બાલાસિનોર પ્રાંત કચેરી કમ્પાઉન્ડ માંથી શિક્ષકો દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી. જેમાં બાઇક સવાર શિક્ષકોએ મતદાન જાગૃતિ માટેના પ્લે કાર્ડ સાથે જોડાયા હતા અને મતદાતાઓને પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરી સો ટકા મતદાન કરવાનો સંદેશો પાઠવ્યો હતો.
આ બાઇક રેલી બાલાસિનોર પ્રાંત કચેરી કમ્પાઉન્ડમાં થી શરૂ થઈ બસ સ્ટેન્ડ, નગરપાલિકા, અંબે માતા મંદિર, તળાવ દરવાજા, જુની નગરપાલીકા, નિશાળ ચોક, અમદાવાદી દરવાજા, તાલુકા પંચાયત, જી.આઇ.ડી.સી થઇ પ્રાંત કચેરી ખાતે પૂર્ણ થઇ હતી. આ બાઇક રેલીએ નગરજનો અને મતદારોમાં આકર્ષણ જમાવ્યું હતું. આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ ઉત્સાહભેર જોડાઇને મતદાન જાગૃતિ અભિયાનને સાર્થક બનાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પી એન મોદી તેમજ શિક્ષકો જોડાયા હતા