મધ્યઝોનની કોરોના ડેઝીગેનેટેડ આઠ હોસ્પિટલોએ રૂા.૬ કરોડના બીલ રજુ કર્યા
મ્યુનિ. આરોગ્ય વિભાગે રૂા.૭૮ લાખની કપાત કરી
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના દર્દીઓની સારવાર માટે ૭૦ કરતા વધુ હોસ્પિટલો સાથે કરાર કરવામાં આવ્યા હતા. આ તમામ હોસ્પીટલોમાં કોરોના દર્દીઓને વિનામુલ્યે સારવાર આપવામાં આવી હતી. જે પેટે મ્યુનિ. કોર્પોરેશને ખાનગી હોસ્પિટલોને રૂા.૩૮ર.પ૪ કરોડ જેટલી માતબર રકમ ચુકવી આપી છે. તે પૈકી મધ્યઝોનની કોરોના ડેઝીગ્નેટેડ આઠ હોસ્પિટલોને રૂા.પાંચ કરોડ કરતા વધુ રકમ ચુકવવામાં આવી છે આ હોસ્પીટલો પાસેથી દવાના ભાવ તફાવત પેટે રૂા.૭પ લાખ વસુલ કરવામાં આવ્યા છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમ્યાન દર્દીઓને ઝડપી અને વિનામુલ્યે સારવાર મળી રહે તે માટે તમામ સાત ઝોનની ખાનગી હોસ્પીટલો સાથે કરાર કરવામાં આવ્યા હતા. મ્યુનિ. આરોગ્ય વિભાગે મધ્યઝોનની કુલ આઠ હોસ્પિટલોને પણ કોરોના ડેઝીગ્નેટેડ જાહેર કરી હતી જેમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રીફર કરવામાં આવેલા દર્દીઓને વિનામુલ્યે સારવાર આપવામાં આવી હતી.
મધ્યઝોનની આઠ હોસ્પિટલોમાં રાજસ્થાન હોસ્પિટલ, લાઈફ કેર, ચંદ્રમણી હોસ્પિટલ વગેરેનો સમાવેશ થાય છે. આ આઠ હોસ્પિટલો દ્વારા કોરોના દર્દીઓની સારવાર પેટે કુલ રૂા.૬૦૭૬૬૪પ૩ના બીલ રજુ કરવામાં આવ્યા હતા. જેની સામે મ્યુનિ. તંત્ર દ્વારા રૂા.પર૯ર૬૪ર૯ની ચુકવણી કરવામાં આવી છે. મતલબ કે હોસ્પિટલોએ રજુ કરેલા બીલો સામે આરોગ્ય વિભાગે રૂા.૭૮ લાખની કપાત કરવામાં આવી છે.
મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા સૌથી વધુ કપાત લાઈફ કેર અને રાજસ્થાન હોસ્પિટલના બીલમાંથી કરવામાં આવી છે. લાઈફ કેર દ્વારા રજુ કરવામાં આવેલા બીલ સામે રૂા.ર૭.૬૩ લાખ ઓછા આપવામાં આવ્યા છે. જયારે રાજસ્થાન હોસ્પિટલના બીલમાંથી રૂા.રર.૧૯ લાખ કાપવામાં આવ્યા છે. ચંદ્રમણી હોસ્પિટલને પણ રૂા.૧૧.૩પ લાખ કાપીને પેમેન્ટ કરવામાં આવ્યુ છે.
મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા રાજસ્થાન હોસ્પિટલને કુલ રૂા.૭૭ લાખનો દંડ કરવામાં આવ્યો હતો. જે પૈકી ટ્રસ્ટી દીઠ રૂા.બે લાખ લેખે કુલ રૂા.પર લાખ તથા હોસ્પીટલ મેનેજમેન્ટને રૂા.રપ લાખ પેનલ્ટી કરવામાં આવી હતી જેની સામે ટ્રસ્ટી મંડળ દ્વારા કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો તેથી મેનેજમેન્ટના રૂા.રપ લાખની પેનલ્ટી વસુલ કરવામાં આવી હોવાની આંતરીક ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ. આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવ્યા મુજબ કોરોના ડેઝીગેનેટેડ હોસ્પીટલો સાથે કરવામાં આવેલા કરારમાં દર્દીઓને આપવાની દવા તથા તેના ભાવ નકકી કરવામાં આવ્યા હતા. જે હોસ્પીટલોએ નિયત કરેલા ભાવથી વધુ રકમના બીલ બનાવ્યા હોય તેમજ પ્રોટોકોલ સિવાયની દવા આપી હોય તે રકમની બીલમાંથી કપાત કરવામાં આવે છે. આ તમામ કપાત ઝોન દીઠ નિયુક્ત કરવામાં આવેલા આસી. પ્રોફેસર કરે છે ત્યારબાદ ઓડીટ વિભાગને શંકા લાગે તો તેના વાંધા રજુ થાય છે તથા તે મુજબ પણ કપાત થાય છે.