મધ્યઝોનમાં ભૂ-માફીયાઓ ફરી સક્રિય

જમાલપુર, ખાડીયા, શાહપુરમાં બેરોકટોક ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદમાં કોરોના માટે મધ્ય અને દક્ષિણ ઝોન એ.પી. સેન્ટર સાબિત થયા હતા. માર્ચ અને એપ્રિલ મહીના દરમ્યાન આ બંને ઝોનમાં મોટાપાયે કોરોનાના કેસ બહાર આવ્યા હતા. મધ્યઝોનના જમાલપુર-ખાડીયા તેમજ દક્ષિણ ઝોનના દાણીલીમડા અને બહેરામપુરામાં તે સમયે હાહાકાર મચી ગયો હતો. આ વિસ્તારોમાં કોરોનાના કેસ માટે વસ્તીની ગીચતાને મુખ્ય કારણ માનવામાં આવી રહયુ હતુ તથા તે સમયે કોટ વિસ્તારના અનેક લોકોએ પરા વિસ્તારમાં સ્થળાંતર કરવા મન મનાવ્યુ હતું. પરંતુ અનલોક દરમ્યાન મળેલી છુટછાટ અને કેસમાં થયેલ સામાન્ય ઘટાડા બાદ મધ્યઝોનના ભૂ-માફીયાઓ વસ્તીની ગીચતામાં વધારો કરવા સક્રિય થઈ ગયા છે તથા બેરોકટોક ગેરકાયદેસર બાંધકામ કરી રહયા હોવાની વિગતો બહાર આવી છે.
શહેરના કોટ વિસ્તારને ગેરકાયદેસર બાંધકામ અને કોરોનાનું એ.પી.સેન્ટર માનવામાં આવે છે. કોરોનાના કેસ વધ્યા હતા તે સમયે ગેરકાયદેસર બાંધકામ આપોઆપ બંધ થઈ ગયા હતા પરંતુ પરિસ્થિતિ હળવી થતા જ ખાડીયા, જમાલપુર, શાહપુર સહીતના વિસ્તારોમાં મોટાપાયે પરવાનગી વિના જ બાંધકામ શરૂ થઈ ગયા છે. જાણકાર સૂત્રોએ જણાવ્યા મુજબ ભદ્ર વિસ્તારમાં ખાસ બજાર પાસે ઈરાની હોટેલ તે જ સ્થળે હયાત બાંધકામને દુર કરીને આર.સી.સી પ્રકારનું બાંધકામ ચાલી રહયુ છે. નિયમ મુજબ ભયજનક મકાન હોય તો તેને જમીન દોસ્ત કરીને મુળ બાંધકામના ક્ષેત્રફળ મુજબ નવા બાંધકામની પરવાનગી આપવામાં આવે છે. જેમાં ટી- ગર્ડરનો ઉપયોગ કરવાનો રહે છે.
જયારે ઈરાની હોટેલનું બાંધકામ ભયજનક ન હતુ તેમ છતાં તે સ્થળે નવેસરથી બાંધકામ કરવામાં આવ્યુ છે. જેમાં જુના બાંધકામ કરતા વધુ ઉંચાઈ કરવામાં આવી રહી છે તથા અહીં આર.સી.સી. પ્રકારનું બાંધકામ થઈ રહયુ છે. તેવી જ રીતે વીજળી ઘર પાસે આવેલ જામસાહેબની ગલીમાં પણ અન અધિકૃત બાંધકામ શરૂ થઈ ગયુ છે. જયારે આસ્ટોડીયા કોટની રાંગ પાસે પણ અધિકારીઓની રહેમનજરે ગેરકાયદેસર બાંધકામ થઈ રહયુ છે. જમાલપુરમાં પણ દસ કરતા વધુ સ્થળે અનઅધિકૃત બાંધકામ થઈ રહયા છે. લોકડાઉનના કારણે અટકી પડેલા કામ ઝડપથી પૂર્ણ કરવા બિલ્ડરો સક્રિય બન્યા છે. તેમને અધિકારીઓ પૂર્ણ સહકાર આપી રહયા છે. મ્યુનિ. ભવનની બાજુમાં ઢાલગરવાડમાં પણ ચાર સ્થળે ગેરકાયદે બાંધકામ ચાલી રહયા છે.
દક્ષિણઝોનના ઈસનપુર અને લાંભા વોર્ડમાં પણ મોટાપાયે અનઅધિકૃત બાંધકામ શરૂ થયા છે. ઈસનપુર વોર્ડમાં હાઈવે ચાર પાસે આવેલી એક કોલોનીમાં આશાપુરી સ્ટીલ ફર્નિચરની બાજુમાં લોકડાઉન દરમ્યાન પણ કામ ચાલુ રહયુ હતુ. એસ્ટેટ વિભાગ દ્વારા આ બાંધકામને બે-બે વખત સીલ કરવામાં આવ્યુ છે તેમ છતાં સીલ તોડીને પણ કામ ચાલી રહયુ છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ બાંધકામમાં સ્થાનિક કોર્પોરેટરની રહેમનજર હોવાથી કાર્યવાહી થતી નથી તેમજ જે કાર્યવાહી થઈ છે તે સ્વ- બચાવ માટે કરવામાં આવી છે.
શહેરમાં ગેરકાયદેસર બાંધકામનો ધંધો કાયમી બની ગયો છે કોરોનાના કારણે મ્યુનિ. કમીશ્નરે આ પ્રકારના બાંધકામો ન તોડવા માટે પરિપત્ર કર્યા હતો જેનો સીધો લાભ ભૂ-માફીયા લઈ રહયા છે. મધ્યઝોન અને દક્ષિણઝોન એસ્ટેટ ખાતાના અધિકારીઓ પણ પરિપત્રની આડમાં બિલ્ડરોને સાથ આપી રહયા છે. જયારે મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી હોવાથી કોર્પોરેટરો પણ બિલ્ડરો સાથે હાથ મીલાવ્યા હતા પાંચ વર્ષની ટર્મમાં માત્ર ત્રણ મહીના જ બાકી રહયા છે તેથી મહતમ લાભ લેવાની ઈચ્છા બધા રાખી રહયા છે હાલ, કોર્પોરેટરોના મનમાં “કલ હો ના હો”નો ભાવ જાેવા મળી રહયો છે તેવી રમુજ પણ ચાલી રહી છે.