મધ્યપ્રદેશથી ભૂલી પડેલી માનસિક અસ્વસ્થ મહિલાને ઘરે અભયમ ટીમે ઘરે પહોંચાડી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/call181.png)
‘‘હેલ્લો મહિલા અભયમ હેલ્પલાઇન. અહીં એક મહિલા લોકોને પથ્થર મારે છે, ઘરમાં ઘૂસી જાય છે.’’ દાહોદના ગરબાડાના એક અંતરિયાળ ગામમાંથી આવો ફોન આવ્યો અને મહિલા અભયમની ટીમ તુરત જ સ્થળ પર પહોંચી. માનસિક રીતે અસ્વસ્થ મહિલા ખેતરમાં આળોટી રહી હતી અને તેના એક હાથમાં પથ્થર હતો.
પરિસ્થિતિની ગંભીરતા જોતા મહિલા અભયમ ટીમે ખૂબ કૂનેહથી કામ લેવાનું હતું. કારણ કે આ મહિલા પોતાને પણ કંઇ કરી બેસે એવી મનોદશામાં હતી.
મહિલા અભયમ ટીમે આ સ્થિતિમાં ખૂબ જ શાંતિ અને પ્રેમથી કામ લીધું. ધીરે ધીરે એ મહિલા પાસે પહોંચીને તેનો પથ્થર ફેકાવ્યો. ઘણાં દિવસથી મહિલા ભૂખી હોય તેને જમાડી અને ધીરે ધીરે વાતચીતમાં તેના ઠામઠેકાણાં વિશે માહિતી મેળવવા પ્રયાસ કર્યો.
મહિલાના ભાષાના લહેકા પરથી તે મધ્યપ્રદેશની જણાઇ. વધુ વાતચીતમાં કેટલાંક મધ્યપ્રદેશના ગામનો ઉલ્લેખ થતાં મહિલા અભયમ ટીમ દાહોદ પોલીસને સાથ લઇ મધ્યપ્રદેશ ઉપડી. થોડીક વધુ માહિતી મળતાં જે ગામનો મહિલા ઉલ્લેખ કરતી હતી. ત્યાંની પોલીસ અને સરપંચની મદદથી મહિલાના પરિવારજનો સુધી પહોંચી શકાયું.
આ મહિલાના પુત્રએ જણાવ્યું કે, તેની મમ્મી છેલ્લા પાંચેક વર્ષથી માનસિક અસ્વસ્થ હતી અને ઘણાં સમયથી તેમને શોધી રહ્યાં હતા. આમ, દાહોદની મહિલા અભયમ ટીમે એક પુત્ર સાથે માનો મેળાપ કરી આપવાની પ્રશંસનીય કામગીરી કરી હતી.