મધ્યપ્રદેશની યુવતીને અમદાવાદ બોલાવીને યુવકે દુષ્કર્મ ગુજાર્યું
સોશિયલ મીડિયાનો ઉપયોગ ક્યાંક જિંદગીને નુકસાન પહોંચાડી રહ્યો હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશની યુવતી સાથે બની હતી. ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી અમદાવાદ બોલાવી યુવકે તેણીને લગ્નની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર કપાયેલા હાથનો ફોટો મૂકી શખશે જીદ્દી લડકા કેપ્શન લખી યુવતીને અમદાવાદ બોલાવી હતી. બાદમાં હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. શખ્સે આવી તસવીર મૂકીને યુવતીને કહ્યું હતું કે, “તું નહીં આવે તો હું મરી જઈશ. આ મામલે યુવતીએ એમપીમાં ફરિયાદ આપતા આ ફરિયાદ ખાડીયા પોલીસને ટ્રાન્સફર થઈ છે.
આ મામલે ખાડીયા પોલીસે તપાસ હાથ ધરી છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈનની વતની અને ધો-૧૦ સુધી અભ્યાસ કરનાર ૨૨ વર્ષીય યુવતીને ઈન્સ્ટાગ્રામ આઈડી પર જૂન-૨૦૧૯માં “જીદ્દી લડકા” નામના યુવકે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. યુવતીએ રિક્વેસ્ટ સ્વીકારતા બંને વચ્ચે મિત્રતા થઈ હતી.
જે બાદમાં “જીદ્દી લડકા” એકાઉન્ટ ધારકે કપાયેલા હાથનો ફોટો મોકલી “તું નહીં આવે તો હું મરી જઈશ” તેમ કહ્યુ હતું. જેના પગલે યુવતી ઉજ્જૈનથી ઓગસ્ટ-૨૦૧૯માં માતાપિતાને જાણ કર્યા વગર અમદાવાદ આવી હતી અને યુવકને મળી હતી. જે બાદ યુવક તેણીને હોટલમાં જઈને વાત કરીએ એમ કહીને ખાડીયાના રાયપુર વિસ્તારની હોટલ સન્માનમાં લઈ ગયો હતો.
અહીં યુવતીને લગ્નની લાલચ આપીને આરોપીએ તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. જે બાદ ફરી આરોપી યુવકે યુવતીને ઓક્ટોબર-૨૦૧૯માં ધમકી આપી અમદાવાદ બોલાવી હતી અને હોટલમાં લઈ જઈન બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ લગ્નની વાત કરતા યુવકે ‘હજુ ઘરે વાત નથી કરી, તું જા, હું ઘરે લગ્નની વાત કરી લઈશ’ એમ જણાવ્યું હતું.