મધ્યપ્રદેશની ૨૩ વર્ષની યુવતીની લાશ લીમખેડાના ગોરીયા રેલવે ગરનાળામાંથી મળી આવતા પંથકમાં ભારે ચકચાર
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ગોરીયા રેલવે ગરનાળા માંથી મધ્યપ્રદેશનાં અનુપ નગરની ૨૩ વર્ષિય યુવતીની લાશ મળી આવતા જિલ્લા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ઘટનાની જાણ થતા જ લીમખેડા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને જરૂરી કાગળિયા કરી લાશને પીએમ માટે લીમખેડા સરકારી દવાખાને મોકલી આપતા પોલીસના કહેવાથી તે યુવતીનું પેનલ પી.એમ કરવામાં આવ્યું હતું. હાલ તો યુવતીના મોત અંગે અટકળોના ઘોડા દોડાવાઈ રહ્યા છે.
પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવતીના મોતનું કારણ જાણવા મળે તેમ છે પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા તાલુકાના ગોરીયા ગામ ના બિલવાળ ફળિયામાં રહેતા ૪૦ વર્ષીય નાનસિંગભાઈ મડિયા ભાઈ બિલવાળ ગત તારીખ 3.3.2021 ના રોજ સવારે ગોરીયા રેલવે ગરનાળા પાસેથી પસાર થતા હતા તે વખતે ગરનાળા પાસે કોઈ યુવતીની લાશ નજરે પડતાં તેઓએ ગામના સરપંચને ફોન કરી આ અંગેની જાણ કરતા સરપંચ સહિત ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આ અંગેની જાણ લીમખેડા પોલીસને કરતા હોળી તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવતીની લાશનું પંચો રૂબરૂ પંચનામું કરી લાશને પીએમ માટે લીમખેડા સરકારી દવાખાને મોકલી આપી.
આ સંદર્ભે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી લાશની ઓળખ કરવામાં પોલીસ જોતરાઈ હતી અને પોલીસે આ મામલે રેલ્વે પોલીસની પણ મદદ લેતા કેટલીક મહત્વની વિગતો બહાર આવી હતી જેમાં મરણ જનાર યુવતી મધ્યપ્રદેશના અનુપ પુર ની સ્ટાફ કોલોનીમાં રહેતા રામકિશોર દિવાળી ની પુત્રી 23 વર્ષીય સુપ્રિયા ગુજરાતના કચ્છના મુન્દ્રા જે ન નગર ખાતે રહેતા તેના બનેવી એન્જિનિયર એવા રાજેશ શિવપાલ દ્વિવેદીના ઘરે આવી હતી અને ત્યાંથી તે તારીખ 2.3.2021 ના રોજ બસ મારફતે મુન્દ્રા થી અમદાવાદ આવી હતી અને ત્યાંથી તે 01463 સોમનાથ જબલપુર એક્સપ્રેસના કોચ નંબર બી ટુ માં 33 નંબરની સીટ પર રિઝર્વેશન કરાવી ભોપાલ તરફ જવા નીકળી હતી.
જે બાદ આ યુવતી ટ્રેનમાંથી જ ક્યાંક ગુમ થઈ હતી. જેથી પોલીસે સોમનાથ જબલપુર એક્સપ્રેસમાં તપાસ કરાવતા ઉપરોક્ત કોચમાં 33 નંબર ની સીટ પરથી તેનું આઈ કાર્ડ આધાર કાર્ડ સહિતનો સામાન મળી આવ્યો હતો. ત્યારબાદ આ યુવતીના બનેવીએ સુપ્રિયાના ગુમ થયાની ફરિયાદ રેલવેની સંલગ્ન વેબસાઇટ પર કરી હતી આ યુવતી ગાડીમાંથી પડી ગઈ કે કોઈએ ધક્કો મારી ફેકી દીધી તે પોલીસ માટે કોયડો બની જતા પોલીસે આ કેસમાં દૂધનો દાઝ્યો છાશ પણ ફુંકીને પીએ તે ઉક્તિને અનુસરી આ કેસમાં કંઈ કાચું કપાઈ ન જાય તે માટે પેનલ પીએમ કરાવ્યું છે અને પોલીસ પેનલ પીએમ રીપોર્ટની રાહ જોઈ રહી છે હાલ તો યુવતીના મોત અંગે અનેક અટકળોના ઘોડા દોડાવી રહ્યા છે પરંતુ યુવતીના મોતનું સાચુ કારણ પેનલ પીએમ રિપોર્ટ બાદ જ બહાર આવશે.