મધ્યપ્રદેશ: કાર દુર્ઘટનામાં ૪ હોકી ખેલાડીઓના મોત
અન્ય ૩ હોકી ખેલાડી ગંભીરરીતે ઇજાગ્રસ્ત: હોશંગાબાદ જિલ્લામાં ભીષણ દુર્ઘટના: કારમાં સાત ખેલાડીઓ હતા |
હોશંગાબાદ, મધ્યપ્રદેશના હોશંગાબાદ જિલ્લામાં એક દર્દનાક કાર દુર્ઘટના થઇ હતી. આ કાર અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના ચાર હોકી ખેલાડીઓના મોત થયા છે. જાણકારી મુજબ દુર્ઘટનામાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ થયેલા ખેલાડીઓ પૈકી એકની હાલત ગંભીર રહેલી છે. બનાવ અંગે માહિતી આપતા હેવાલમાં જણાવવામાં આવ્યુ છે કે અકસ્માતના સમય કારમાં સાત ખેલાડી મુસાફરી કરી રહ્યા હતા.તમામ સાત હોકી ખેલીડીઓ મધ્યપ્રદેશ હોકી એકેડમી સાથે સંબંધિત હતા. આ તમામ ખેલાડી ધ્યાનચંદ હોકી ટુર્નામેન્ટ રમવા માટે હોશંગાબાદ આવ્યા હતા.
પોલીસે કહ્યુ છે કે ઇટારસી તરફ જતી વેળા અકસ્માત થયો હતો. કાર ચાલક ખેલાડીએ કાબુ ગુમાવતા આ દુર્ઘટના થઇ હતી. ઘાયલ થયેલા ત્રણની હાલત ગંભીર જણાવવામાં આવી છે. મૃત્યુ પામેલા ચાર હોકી ખેલાડીઓ અને ઘાયલ થયેલા ત્રણ અન્ય ખેલાડીઓના નામ હજુ સુધી જાણી શકાયા નથી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
બચાવ અને રાહત કામગીરી અંગે માહિતી મેળવી હતી. સાથે સાથે એકસ્માતના મામલામાં તપાસ હાથ ધરી હતી. કાર અકસ્માતમાં ચાર હોકી ખેલાડીઓના મોત અંગે દુખ વ્યક્ત કરીને તમામે આંઘાતની લાગણી વ્યક્ત કરી છે. દેશને પણ ભારે નુકસાન થયુ છે. જે ચાર ખેલાડીઓના મોત થયા છે તે પૈકી આગળ ચાલીને કેટલાક સ્ટાર ખેલાડી બનવા સક્ષમ હતા.