મધ્યપ્રદેશ સરકારે પ્રાથમિક શાળાઓ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો
નવી દિલ્હી, મધ્યપ્રદેશમાં કોરોનાની મહામારી ગુજરાત કરતાં ઓછી હોવા છતાં તે સરકારે ધો.1થી8નો અભ્યાસક્રમ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લઈ લીધો છે, પરંતુ ગુજરાત સરકાર આ અંગે કોઈ ચોક્કસ નિર્ણય લઈ શકતી ન હોવાથી વાલી અને વિદ્યાર્થીઓ પરેશાનીમાં મુકાઈ ગયા છે.
ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે શાળાકીય અભ્યાસ અંગે વહેલામાં વહેલી તકે નિર્ણય લેવો જોઈએ, એવી માગણી ઊઠી છે. વાલીઓનું કહેવું છે કે ધો.1થી 8ની પ્રાથમિક શાળાઓ અંગેનો નિર્ણય લેવામાં સરકાર મોડું કરી રહી હોવાનું કારણ એવું છે કે શાળા-સંચાલકોએ લીધેલી તોતિંગ ફી પરત આપવી ના પડે અને વાલીઓ અને સંચાલકો વચ્ચે વિવાદ ના થાય એ માટે ડિસેમ્બરના અંત સુધી સરકાર ચોક્કસ નિર્ણય લેવાના મૂડમાં નથી.
ગુજરાતમાં શાળાઓ શરુ કરવા અને પરીક્ષાના મુદ્દે શિક્ષણ વિભાગ અસમંજસ પરિસ્થિતિમાં છે ત્યારે મધ્યપ્રદેશ સરકારે ધો.1થી8ની શાળાઓ માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ બહાર પાડ્યો છે. એ જોતાં ગુજરાતના વાલીઓની પણ માગણી ઊઠી છે કે રાજ્યના શિક્ષણ વિભાગે ધો.1થી 8ના વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક અસરથી નિર્ણય લેવો જોઈએ કે આ વર્ષે શાળાઓ શરૂ થશે કે નહીં, પરીક્ષા લેવાશે કે નહીં? જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધો,9થી 12ની શાળાઓ અંગે પણ વાલીઓ અને વિદ્યાર્થીઓને અસમંજસમાં રાખવાને બદલે ચોક્કસ નિર્ણય જાહેર કરવો જોઈએ.