Western Times News

Gujarati News

મધ્ય ઝોન ડે.મ્યુનિ.કમિશ્નરની ઓફિસ પાછળ જ સાત માળનું ગેરકાયદેસર બાંધકામ

File

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા આઠ-દસ દિવસથી ગેરકાયદેસર બાંધકામો ઉપર હથોડા ઝીંકવામાં આવી રહ્યા છે. પરંતુ ગેરકાયદેસર બાંધકામો “બાળવાર્તાની રાજકુમારી”ની જેમ વધી રહ્યાં છે.

એસ્ટેટ ખાતા દ્વારા જેટલા બાંધકામ તોડવામાં આવી રહ્યા છે તેનાથી અનેકગણા નવા અનઅધિકૃત બાંધકામ ચાલી રહ્યાં છે. બે-ત્રણ વર્ષ પહેલા ગેરકાયદેસર બાંધકામ માટે માત્ર મ્યુનિ.એસ્ટેટ વિભાગના અધિકારીઓને જ જવાબદાર ઠેરવવામાં આવતા હતાં.

પરંતુ હવે તેમાં પોલીસ વિભાગની નિષ્ક્રિયતા અને બેદરકારી પણ સામેલ થયાં છે. મ્યુનિ.કોર્પાેરેશન તરફથી બાંધકામ તોડવા બંદોબસ્ત માંગવામાં આવે તો બારોબાર વહીવટી થઈ જતાં હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

જેના પરીણામે જ મધ્ય ઝોનના ડે.મ્યુનિ.કમિશનરની ઓફીસ પાછળ સાત માળનું ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે.

મ્યુનિ.કોર્પાેરેશનના મધ્ય ઝોન (કોટ વિસ્તાર)ને અનઅધિકૃત બાંધકામનું “હબ” માનવામાં આવી રહ્યું છે. કોટ વિસ્તારની સાંકડી પોળોમાં માત્ર ૫૦-૬૦ ચો.મીટરના પ્લોટમાં આઠથી દસ માળના બિલ્ડિંગ બની ગયા છે તથા હાલ બની રહ્યા છે.

શરમજનક બાબત એ છે કે મ્યુનિ.કોર્પાેરેશનના મુખ્ય કાર્યાલય કે જ્યાં મેયર, સ્ટેન્ડીંગ ચેરમેન, મ્યુનિ.કમીશનર તથા ડે.મ્યુનિ.કમીશનરો બેસીને શહેરનો વહીવટ કરે છે.

તેની ઓફર માત્ર સંખ્યામાં મંજૂરી વિનાના બાંધકામો થઈ રહ્યા છે તેમજ ચાલી રહ્યા છે. મધ્ય ઝોનના ડે.મ્યુનિ.કમીશનર તેમજ સ્ટેન્ડિગ કમીટી ચેરમેનના કાર્યાલયની બિલકુલ પાછળ સાત માળનું ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે.

આ બંને મહાનુભાવો તેમની ઓફીસમાંથી આ બાંધકામનો વિકાસ જાેઈ રહ્યા છે.

પરંતુ પગલા લેવામાં આવતા નથી. મ્યુનિ.ભવનની પાછળ રાજ માર્કેટ પાસે ખજૂરીની ગલી ફીરદોસ સીલેક્શનની બાજુમાં ચાલી રહેલા બાંધકામને ત્રણ-ત્રણ વખત સીલ કરવામાં આવ્યું છે.

પરંતુ મોટા માથાઓ તથા વચેટીયાઓએ સાચવી લીધા હોવાથી ત્રણ વખત સીલ તોડીને પણ બાંધકામ થઈ રહ્યું છે.

મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા કારંજ પોલીસ સ્ટેશનમાં બે વખત ૧૬૬ અંતર્ગત પોલીસ ફરીયાદ કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. નવા નિયમ મુજબ જાે ત્રીજી વખત પણ ૧૬૬ મુજબ ફરીયાદ થાય તો બાંધકામ કરનારને “પાસા” થઈ શકે છે ેતમ નિષ્ણાંતો જણઆવી રહ્યાં છે.

પરંતુ અગમ્ય કારણોસર ત્રીજી વખત ફરીયાદ થઈ નથી. જ્યારે ડીમોલેશન માટે કારંજ પોલીસ સ્ટેશનમાં બંદોબસ્ત માંગવામાં આવ્યો છે.

પરંતુ બંદોબસ્ત મળી રહ્યો નથી. મધ્ય ઝોન એસ્ટેટ વિભાગના એક ઉચ્ચ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી કારંજ પોલીસ સ્ટેશન તરફથી ગેરકાયદેસર બાંધકામો માટે કોઈ જ બંદોબસ્ત મળ્યા નથી.

જેના કારણે જ ઢાલગરવાડમાં મ્યુનિ.ભવનની પાછળ સાત માળનું બિલ્ડિંગ બની રહ્યું છે.

Click on logo to read epaper English Click on logo to read epaper Gujrati

જ્યારે “ખન્ના” ઉપનામથી જાણીતા એક બિલ્ડરનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ઢાલગરવાડમાં રાજમાર્કેટ પાસે થયેલ ચાર માળના આર.સી.સી.બાંધકામને ચાર વખત સીલ કરવામાં આવ્યું હતું

જે તોડીને બાંધકામ પૂર્ણ થયું છે તથા વપરાશ પણ શરૂ થયો છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ખાડીયાના વોર્ડ ઈન્સ્પેક્ટર કર્ણીકાબેન દ્વારા ૧૮૮ની નોટીસ આપવામાં આવે છે. પરંતુ પાકી ફરીયાદ કરવામાં આવતી નથી.

જેના કારણે બિલ્ડરોને મોકળા મેદાન મળી ગયા છે. જ્યારે ડીમોલેશન માટે પણ અગાઉથી થયેલ ગોઠવણ મુજબ જ માંગવામાં આવી રહ્યાં છે. કારંજ જેવી જ સ્થિતિ હવેલી પોલીસ સ્ટેશનમાં પણ છે.

જમાલપુર પુરણીયાવાસમાં થયેલ દસ માળના અનઅધિકૃત બાંધકામને તોડવા માટે ૧૬ ઓક્ટોબરનો બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો. જે પોલીસ સ્ટેશન દ્વારા આપવામાં આવ્યો નથી.

જાણકાર સૂત્રોએ જણાવ્યા મુજબ બંદોબસ્ત ન આપવા માટે પણ લાખો રૂપિયાના વહીવટ થઈ રહ્યા છે. જમાલપુર જેવી જ પરિસ્થિતિ દરીયાપુર વોર્ડમાં છે. દરીયાપુરમાં સજ્જ જમાદારના મહોલ્લા સામે, સરસ્વતી વિદ્યાલયની બાજુમાં પણ ૦૬ માળનું બાંધકામ ચાલી રહ્યું છે.

જેને પણ બે વખત સીલ કરવામાં આવ્યું હોવાના દાવા તંત્ર દ્વારા થઈ રહ્યા છે. તેમ છતાં બાંધકામ લગભગ પૂર્ણ થવા આવ્યું છે.

મધ્ય ઝોનની ગલી-ગલીએ બાંધકામ ચાલી રહ્યા છે. ખાડીયા, શાહપુર, દરીયાપુર, જમાલપુર, શાહીબાગ સહિત તમામ વોર્ડમાં ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યાં છે. પરંતુ અહીં ગાંધી-વૈદ્યનું સહીયારુ છે.

બિલ્ડરો અને વચેટીયાઓને એસ્ટેટ વિભાગ અને પોલીસ તરફથી રક્ષણ મળી રહ્યા છે જેના કારણે ૫૦ ચો.મી.ના પ્લોટમાં પાંચ-સાત માળના બાંધકામ થઈ રહ્યા છે.

મ્યુનિ.અધિકારીઓ ગુલાબી રંગની નોટોથી અંજાઈ ગયેલા અધિકારીઓ “સોદાગર પોળ” હોનારતને ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.