મધ્ય પ્રદેશના ગવર્નર લાલજી ટંડનનું લખનઉની મેદાંતા હાૅસ્પિટલમાં નિધન
નવી દિલ્હી: લાલજી ટંડનને કિડની અને લિવરમાં તકલીફ થયા બાદ દોઢ મહિના પહેલા મેદાંતા હાૅસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આજ રોજ તેમનું હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ ૮૫ વર્ષના હતા. ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી અને દીકરા આશુતોષ ટંડને ટિ્વટ કરીને તેની જાણકારી આપી. લાલજી ટંડનની મેદાંતા હાૅસ્પિટલમાં છેલ્લા દોઢ મહિનાથી સારવાર ચાલી રહી હતી. લાલજી ટંડનને કિડની અને લિવરમાં તકલીફ થયા બાદ દાખલ કરવામાં આવ્યા હતા.
લાલજી ટંડનને ૧૧ જૂને શ્વાસ લેવામાં તકલીફ, તાવ અને યૂરિનમાં તકલીફના કારણે હાૅસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટંડનની તબિયત ખરાબ હોવાના કારણે ઉત્તર પ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલને મધ્ય પ્રદેશનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. મૂળે, ઉત્તર પ્રદેશના રાજકારણમાં સક્રિય રહેનારા લાલજી ટંડનની બીજેપી સરકારોમાં એનક વાર મંત્રી પણ રહ્યા છે અને અટલ બિહારી વાજપેયીના સહયોગીના રૂપમાં જાણીતા હતા. તેઓએ વાજપેયીના મત વિસ્તાર લખનઉની કમાન સંભાળી હતી.
લાલજી ટંડનને ૨૦૧૮માં બિહારના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા. ત્યારબાદ ૨૦૧૯માં તેમને મધ્ય પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લખનઉમાં લાલજી ટંડનની લોકપ્રિયતા સમાજના દરેક સમુદાયમાં હતી. તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીના ખૂબ જ નિકટતમ અને અગત્યના સહયોગી પણ હતા. ૨૦૦૪માં લોકસભા ચૂંટણીની પૂર્વ સંધ્યાએ પોતાના જન્મદિવસે સાડીઓ વહેંચી રહ્યા હતા જેમાં ભાગદોડ થતાં ૨૧ મહિલાઓનાં મોત થતા મોટો વિવાદ પણ ઊભો થયો હતો. બાદમાં લાલજી ટંડનને તમામ આરોપોથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.