મધ્ય પ્રદેશની સરકારનું ત્રીજું વિસ્તરણ થયું
ભોપાલ, મધ્ય પ્રદેશમાં પેટાચૂંટણી થઇ ગયાના આશરે 53 દિવસ પછી રવિવારે શિવરાજ સિંઘે પોતાના પ્રધાન મંડળનું ત્રીજું વિસ્તરણ કર્યું હતું. આમ છતાં એમના શિરદર્દનો અંત આવ્યો નથી.
હજુ કેટલાક લોકો પ્રધાનપદ માટે ઝંખી રહ્યા છે અને એમને સંતોષ ન મળે તો શિવરાજ સિંઘની સરકાર માટે જોખમ સર્જાઇ શકે છે. રવિવારના વિસ્તરણમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના બે સમર્થકો તુલસીરામ અને ગોવિંદ સિઁઘને પ્રધાનપદ મળ્યું હતું. પરંતુ ભાજપના વરિષ્ટ કહેવાય એવા નેતાઓ પ્રધાનપદ વિનાના રહી ગયા હતા. સિંધિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા ત્યારેજ એક વાત નક્કી થઇ ગઇ હતી કે તેમના સમર્થકોને સાચવવા પડશે. સિંધિયાને રાજ્યસભાના સાંસદ બનાવાયા છે અને એમને કેન્દ્રીય પ્રધાન મંડળમાં સ્થાન મળવાની અફવા હતી.
ભાજપના વરિષ્ઠ નેતાઓએ શિવરાજ પર દબાણ વધાર્યું હતું પરંતુ હજુ સુધી તેમને પ્રધાનપદ મળ્યું નથી. કેબિનેટમાં હજુ ચાર પ્રધાનપદ ખાલી હતા. મૂળ તો ગયા વર્ષના માર્ચમાં સિંધિયા પોતાના 22 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા એટલે કમલનાથની સરકાર લધુમતીમાં આવી જતાં એનું પતન થયું હતું. ભાજપના શિવરાજ સિંઘ ચૌહાણ ચોથી વાર મુખ્ય પ્રધાન બન્યા હતા. જો કે ત્યારે એક વાત સ્પષ્ટ થઇ ગઇ હતી કે સિંઘિયા સમર્થકોને પ્રધાનપદ આપીને ટકાવી રાખવા પડશે. શિવરાજે પહેલીવાર પ્રધાન મંડળનું વિસ્તરણ કર્યું ત્યારે પાંચ પ્રધાનોએ સોગંદ લીધા હતા. એમાં તુલસીરામ અને ગોવિંદ સિંઘ રાજપૂતનો સમાવેશ થયો હતો. જો કે છ માસમાં ચૂંટણી ન થતાં આ બંનેએ રાજીનામાં આપ્યાં હતાં.