મધ્ય પ્રદેશમાં પણ ‘લવ જેહાદ’ કાયદો- ધાર્મિક સ્વતંત્રતા અધ્યાદેશને કેબિનેટની મંજૂરી
ભોપાલઃ મધ્ય પ્રદેશની સરકારે લવ જેહાદને રોકવા માટે કડક કાયદો ‘ધર્મ સ્વતંત્ર વિધેયક’ને અધ્યાદેશ તરીકે લાગુ કરવાને મંજૂરી આપી દીધી છે. કેબિનેટમાં સર્વસંમતિ બાદ આ મંજૂરી આપવામાં આવી છે. હવે અધ્યાદેશને મંજૂરી માટે રાજ્યપાલને મોકલવામાં આવશે. રાજ્યપાલની મંજૂરી બાદ કાયદો લાગુ થશે. કાયદા હેઠળ કાવતરું ઘડીને ધર્માંતરણ કરનારા લોકોની વિરુદ્ધ કાયદાકિય કાર્યવાહી થશે. મહત્તમ 10 વર્ષ સુધીની સજા થશે અને એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ કેબિનેટની બેઠકમાં વિધેયકના મુસદ્દાની જાણકારી આપી. શિવરાજે કેબિનેટમાં વર્ષ 2020ને ઉથલ પાથલવાળું વર્ષ ગણાવ્યું. તેઓએ નવા વર્ષમાં નવી આશાઓની સાથે શરૂઆત કરવાની વાત કહી. 2021માં નવા ઉમંગ અને ઉત્સાહની સાથે શરૂઆત થશે. કેબિનેટમાં સપ્લીમેન્ટ્રી બજેટ અધ્યાદેશને પણ મંજૂરી આપવામાં આવી છે. તેને પણ રાજ્યપાલની પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.
કેબિનેટની બેઠક બાદ શિવરાજ સિંહે નિવેદન આપતા કહ્યું કે, ધર્મ છુપાવીને અથવા ખોટો અભિનય કરીને અધિનિયમની વિરુદ્ધ ધર્મ પરિવર્તન કરાવવા પર કડક સજાની જોગવાઈ છે. એક જ સમયમાં બે કે બેથી વધુ લોકોનું સામૂહિક ધર્મ પરિવર્તન કરવા પર 5 વર્ષ – 10 વર્ષ જેલની સજા અને ઓછામાં ઓછો એક લાખ રૂપિયાનો દંડ થશે.