મધ્ય પ્રદેશ : ઠંડી વધતાં અજગરો તડકામાં બહાર નીકળ્યા
મંડલા, મધ્ય પ્રદેશના મંડલા આદિવાસી વિસ્તારમાં અચાનક પર્યટકોની સંખ્યા વધવા માંડી હતી. એનું કારણ પણ એટલું જ વિસ્મયજનક હતું. આ વિસ્તારમાં એક ગામ અજગરોના ગામ તરીકે જાણીતું છે. અહીં નાના મોટા અનેક અજગરો જોવા મળે.
શિયાળામાં ઠંડી વધે ત્યારે આ અજગરો પોતાના દરમાંથી તડકો લેવા ઉપલી સપાટી પર આવી જાય છે. એમને નીરખવા સહેલાણીઓ ભીડ જમાવતા જોવા મળે છે.
આ વખતે શિયાળો આકરો છે અને ઠંડી વધુ છે એટલે મોટી સંખ્યામાં અજગરો બહાર નીકળ્યા હતા. તેમને પોતાના કેમેરામાં ઝડપી લેવા સહેલાણીઓની પણ સારી એવી ભીડ જામી હતી.
અજગરદાદર નામથી જાણીતા આ વિસ્તારને ઇકો પર્યટન સ્થળ તરીકે ઓળખાવાય છે. કકૈયા ગ્રામ વન વસતિ આ વિસ્તારનો વહીવટ કરે છે અને અજગરોને લોકો નુકસાન ન પહોંચાડે એની પૂરતી તકેદારી લે છે. અજગરોના મુખમાં ઝેર હોતું નથી. એ તો પોતાના શિકારને ભરડામાં લઇને ભીંસી નાખે છે અને પછી મોં ખોલીને શિકારને ઓહિયાં કરી જાય છે.