મધ અને આયુર્વેદિક ઔષધોની નિર્માણ પ્રક્રિયાને આધુનિક ટેકનોલોજી આધારિત બનાવવાની રૂપરેખા ઘડો:વન રાજ્ય મંત્રી
શ્રી જગદીશ વિશ્વકર્મા એ પોર સ્થિતિ વન વિભાગના મધ અને ઔષધ એકમ ઉત્પાદન એકમની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું.
વડોદરા, વન અને ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ( પંચાલ) એ આજે વડોદરા જિલ્લાના પોર ખાતે વન વિકાસ નિગમ સંચાલિત ધન્વંતરિ એકમ ખાતે મધ અને વાનસ્પતિક ઔષધ ઉત્પાદન ની પ્રક્રિયાનું નિરીક્ષણ કરીને વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે આ ઉત્પાદનોનું વેચાણ વધે તે માટેની વ્યૂહ રચનાની ચર્ચા કરવાની સાથે ફાર્મસિસ્ટ અને લેબ.ટેકનીશ્યન ની જરૂરી ભરતી વિષયક સૂચનાઓ આપી હતી.
તેમણે આ પ્રકારના અન્ય ઉત્પાદક એકમોની મુલાકાત લઈને આ એકમ અને સંપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયાને મોડર્ન ટેકનોલોજી આધારિત બનાવવાનું આયોજન તૈયાર કરવા માર્ગદર્શન આપ્યું હતું. નિગમના એમ.ડી.શ્રી ચતુર્વેદીએ માહિતી આપતાં જણાવ્યું કે બજાર માંગ પ્રમાણે ઉત્પાદન વધારી શકાય તેવી સુવિધા અહીં છે.સરકારી આયુર્વેદિક દવાખાનાઓ માટે અહીં ઉત્પાદિત દવાઓ અને કાચો માલ ખરીદવામાં આવે તેવું સૂચન તેમણે કર્યું હતું. વન અને ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ( પંચાલ) એ વડોદરા નજીક પોર – રમણ ગામડી સ્થિતિ વન વિકાસ નિગમ સંચાલિત મધ પ્રોસેસિંગ અને આયુર્વેદિક દવાઓના ઉત્પાદક એકમની મુલાકાત લીધી હતી.
ધન્વંતરિ એકમની તેમની આ મુલાકાત પ્રસંગે નિગમના એમ.ડી.શ્રી એસ.કે.ચતુર્વેદી અને જોઇન્ટ એમ.ડી. શ્રી બી.કે.સિંહા એ વિવિધ ચૂર્ણો, ગોળીઓના ઉત્પાદનની પ્રક્રિયા અને મધ પ્રોસેસિંગ પ્રક્રિયાની વિગતવાર જાણકારી આપવાની સાથે ભાવિ આયોજનો ની માહિતી આપી હતી. શ્રી વિશ્વકર્મા એ ઔષધીય વનસ્પતિઓ થી ચૂર્ણો અને ટેબ્લેટ બનાવવા સાથે સંકળાયેલા ગ્રેન્યુલેટર, ડિસતિંગ્રેટર, પલવરાઈઝર સહિતના એકમોની ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગિતાની જાણકારી મેળવી હતી.શુદ્ધ મધ ઉપરાંત ૪૫ જેટલા પ્રકારના ચૂર્ણો અને ગોળીઓનું આ એકમ ઉત્પાદન કરે છે. ૧૯૯૧ માં સ્થાપિત આ એકમ જી.એમ.પી.પ્રમાણિત પ્રોસેસીંગ/ ઉત્પાદન એકમ છે.