મનપાએ એડવાન્સ ટેક્સ રિબેટ યોજના ૩૧ જુલાઈ સુધી લંબાવી: જૂનમાં રૂ.૨૨૧.૮૩ કરોડની આવક
અમદાવાદ (દેવેન્દ્ર શાહ), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનો મુખ્ય આધાર ટેક્ષ વિભાગ પર છે. તંત્રને મિલકત વેરા તથા વ્યવસાય વેરા પેટે વાર્ષિક રૂ.૧ર૦૦ કરોડની આવક થાય છે. દેશભરમાં રપમી માર્ચથી લોકડાઉનનો અમલ થયો હોવાથી નવા નાણાકીય વર્ષમાં મનપાને ટેક્ષ પેટે માત્ર રૂપિયા ૨.૩૯ કરોડની આવક થઈ હતી.. જૂન મહિનાની શરૂઆતથી મિલકતવેરાની આવકમાં વધારો થાય તે માટે પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે તેમજ દર વર્ષની જેમ એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના પણ જાહેર કરવામાં આવી છે. સરકાર ઘ્વારા પણ વળતર જાહેર કરવામાં આવ્યું છે. જેને ધ્યાનમાં લઈને એડવાન્સ ટેક્ષ યોજના ૩૧ જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. જૂન માસમાં યોજના દરમ્યાન મનપાને નોંધપાત્ર કહી શકાય તેવી આવક થઈ છે. તેમજ માત્ર પાંચ દિવસમાં રૂપિયા ૯૦ કરોડની આવક થઈ છે.
મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન અમૂલભાઈ ભટ્ટે મિલ્કત વેરાની એડવાન્સ ટેક્સ રિબેટ યોજના જાહેર કરી હતી. જેનો ૧ જૂન થી ૩૦ જૂન દરમ્યાન થયો હતી.સદર યોજના અંતર્ગત મનપાને ૩૦ જૂન સુધી રૂપિયા ૨૨૧.૮૩ કરોડની આવક થઈ છે.મ્યુનિસિપલ ટેક્ષ વિભાગના સૂત્રો એ જણાવ્યા મુજબ મધ્યઝોનમાં રૂ.૩૪.૦૩ કરોડ, ઉતરઝોનમાં રૂ.૧૧.૯૮ કરોડ, દક્ષિણઝોનમાં રૂ. ૧૪.૦૯ કરોડ, પૂર્વઝોનમાં રૂ.૧૫.૪૩ કરોડ, પશ્ચિમ ઝોનમાં રૂ.૭૦.૭૨ કરોડ, ઉતરપશ્ચિમઝોનમાં રૂ.૪૬.૧૨ કરોડ અને દક્ષિણપશ્ચિમઝોનમાં રૂ.૨૯.૪૬ કરોડની આવક એડવાન્સ મિલ્કતવેરા પેટે થઈ છે.
સદર યોજનામાં મિલકતવેરો ભરપાઈ કરનારને ૧૦ ટકા રિબેટ આપવામાં આવે છે.લોકડાઉન અને કોરોનાના કારણે એડવાન્સ ટેક્ષ યોજનામા નિર્ધારિત આવક થઈ નથી. તેમ છતાં સંતોષજનક આવક થઈ છે.૨૫મી મે ના રોજ રૂપિયા ૧૩૦ કરોડની આવક હતી. છેલ્લા ૫ દીવસમાં વધુ રૂપિયા ૯૦ કરોડની આવક થઈ છે. રાજ્ય સરકારે રિબેટ યોજના જાહેર કરી હોવાથી નાગરિકોને વળતરનો મહત્તમ લાભ મળી રહે તે આશયથી એડવાન્સ ટેક્ષ રિબેટ યોજના પણ ૩૧ જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. જેની જાહેરાત ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ થઈ શકે છે.
મ્યુનિસિપલ કોર્પોરશનના આંતરીક સુત્રોએ જણાવ્યા અનુસાર પૂર્ણ થયેલ નાણાંકીય વર્ષમાં મનપાને મિલકત વેરા પેટે રૂ.૧૧૦૦ કરોડની આવક થઈ હતી. રપમી માર્ચથી લોકડાઉન જાહેર થયુ હોવાથી નાણાંકીય વર્ષના અંતિમ સપ્તાહમાં મિલકત વેરાની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. મ્યુનિસિપલ ટેક્ષ વિભાગ દ્વારા દર વચ્ચે એપ્રિલ અને મે મહિનામાં એડવાન્સ ટેક્ષ રીબેટ યોજના જાહેર કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને સદર યોજના અંતર્ગત રૂ.૬૦૦ કરોડની આવક થાય છે. મ્યુનિસિપલ સિવિક સેન્ટરો પણ માર્ચ મહિનાથી બંધ કરવામાં આવ્યા હતા. જેના કારણે મિલકત વેરાની આવકના નામે શૂન્ય બરાબર છે.રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે. તથા વેપાર-ધંધા શરૂ થાય અને જનજીવન થાળે પડે તે માટે પુરતા પ્રયાસ થઈ રહયા છે.