મનપાની ખાલી તિજોરીમાંથી ૧૯૨ કોર્પાેરેટરોને વિનામૂલ્યે લેપટોપ-પ્રિન્ટર અપાશે
પ્રજાના પરસેવાના પૈસાએ ઉચ્ચ અધિકારીઓ પણ હાથ ધોવા તત્પર
(દેવેન્દ્ર શાહ દ્વારા )અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન પાસે કોન્ટ્રાક્ટરોને ચૂકવવા માટે નાણાં નથી તેમજ રૂા.૫૦૦ કરોડના બીલ પેન્ડીંગ છે. મ્યુનિ.તંત્ર પાસે રોડ બનાવવા માટે પણ રૂપિયા નથી તેવા દાવાઓ વચ્ચે મ્યુનિ.સત્તાધીશો દ્વારા તમામ “નગર સેવકો” માટે અત્યંત મોંઘા લેપટોપ ખરીદ કરવામાં આવી રહ્યા છે. ભાજપના ઉત્સવ-મહોત્સવોના મોહની ટીકા કરતા કોંગ્રેસ અને મીના કોર્પાેરેટરો પણ પ્રજાના રૂપિયા ઉડાવી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે મ્યુનિ.કોર્પાેરેશનમાં ટેબલે-ટેબલે કોમ્પ્યુટર હોવા છતાં મ્યુનિ.કમીશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ લેપટોપ આપવામાં આવશે.
અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનની ૨૦૦૫માં યોજાયેલી ચૂંટણીમાં ભવ્ય વિજય મળ્યા બાદ ભાજપાએ પુનઃ સત્તાના સૂત્રો સંભાળ્યા હતા. ૨૦૦૫થી ૨૦૧૦ની ટર્મમાં જેએનએનયુઆરએચની ગ્રાન્ટ મળી હોવાથી ચૂંટાયેલી પાંખ દ્વારા શહેર વિકાસની સાથે-સાથે “સ્વ-વિકાસ” ના પણ કામો કરવામાં આવ્યા હતાં.
જેમાં હુડકો લોનના વ્યાજની રકમમાંથી તમામ કોર્પાેરેટરો માટે સિંગાપોર ટુર મુખ્ય છે. તદુપરાંત કોર્પાેરેટરોને વિનામૂલ્યે લેપટોપ આપવાની પ્રથા પણ આ જ ટર્મમાં શરૂ કરવામાં આવી હતી. મ્યુનિ.કોર્પાેરેટરો લેપટોપનો કેટલો અને કેવો ઉપયોગ કરે છે તે બાબત સર્વવિવાદિત છે.
તેમજ કોઈ કોર્પાેરેટરને મ્યુનિ.કે વોર્ડ ઓફીસે લેપટોપ લઈને પ્રજાકીય કામો કરતા જાેવા મળ્યા નથી. તેમ છતાં ૨૦૦૫ની ટર્મથી શરૂ કરવામાં આવેલી સદર પ્રથા હજી સુધી ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ ૨૦૧૬ની સાલમાં કોર્પાેરેટરોને રૂા.૩૮ હજારની કિંમતનું લેપટોપ આપવામાં આવ્યું હતું.
તે સમયે કોઈ વેપારી મિત્ર કે કાર્યકરના ગોડાઉનમાં ભરાઈ ગયેલ જૂના સ્ટોકને ખાલી કરવામાં આવશે હોવાના પણ આક્ષેપ થયા હતા. કેટલાક કોર્પાેરેટરોએ જુની સિસ્ટમના લેપટોપ પરત પણ આપ્યા હોવાની ચર્ચા ચાલી હતી. હવે, ૨૦૨૦ની ચૂંટણીમાં જંગી બહુમતિથી ચૂંટાયેલા “જન-સેવકો”ને લેપટોપ આપવામાં આવી રહ્યા છે.
૨૦૨૧માં તિજાેરી ખાલી હોવા છતાં ૨૦૧૬ની સરખામણીએ લગભગ બમણી કિંમતના લેપટોપ ખરીદ કરવામાં આવી રહ્યાં છે. સાથે બોનસમાં રૂા.૧૫ હજારનું પ્રિન્ટર પણ આપવામાં આવશે. પ્રતિ લેપટોપ અને પ્રિન્ટરનો કુલ ખર્ચ રૂા.૯૦ હજાર થશે. જે ૧૯૨ કોર્પાેરેટરો અને ૪૫ જેટલા ઉચ્ચ અધિકારી માટે ખરીદ કરવામાં આવી રહ્યા છે.
મ્યુનિ.કોર્પાેરેશનમાં ૭૬૦૦ ગ્રેડ-પે હોય તેવા અધિકારીઓને પણ રૂા.૯૦ હજારની કિંમતના લેપટોપને વિનામૂલ્યે આપવામાં આવશે. જેનો ઉપયોગ “કરકસર”ના પગલાંની રૂપરેખા તૈયાર કરવા માટે થશે. મનપા દ્વારા લગભગ ૨૪૦ લેપટોપ તથા પ્રિન્ટરની ખરીદી કરવામાં આવી છે. જે પેટે રૂા.૨.૧૬ કરોડનો ખર્ચ “ખાલી તિજાેરી”માંથી કરવામાં આવશે.
રાજકારણમાં માત્ર “સેવા” કરવા માટે જ આવ્યો છુ તથા પ્રજાની મિલ્કતના અને ટ્રસ્ટી છીએ તેવા દાવા કરતા કોર્પાેરેટરો પૈકી એકપણ મહાનુભવે હજી સુધી લેપટોપ નહીં લેવાની જાહેરાત કરી નથી. આ મહાનુભાવોને પ્રજાકીય સેવા માટે દર મહિને રૂા.૧૫ હજારના “ભથ્થા” મળે છે. જે પેટે પણ કરોડો રૂપિયા ખર્ચ થઇ છે.
એક અંદાજ મજબ ૨૦૧૮-૧૯માં રૂા.૩.૪૧ કરોડ, ૨૦૧૯-૨૦માં રૂા.૩.૬૫ કરોડ તથા ૨૦૨૦-૨૧માં રૂા.૩.૧૫ કરોડ કોર્પાેરેટરોને ઓનેરીયમ આપવામાં આવ્યું હતું. કમીટીમાં હાજરી આપવાના ભથ્થા અલગ હોય છે. જ્યારે મેયર સહિતના પાંચ હોદ્દેદારો અને ૧૩ સબ-કમીટી ચેરમેનોને ડ્રાયવર સાથે મોંઘી ગાડીઓ પણ આપવામાં આવે છે. જેના ખર્ચની ગણતરી અલગ હોય છે. પરંતુ તે જાહેર કરવામાં આવતાં નથી.
અમદાવાદ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે તેવા દાવા કરતા શાસકોએ નિષ્પક્ષ અને તટસ્થ રહીને વિચાર કરવો જરૂરી છે કે ખરેખર વિકાસ કોનો થયો છે ? શું નાના વેપારીઓની મિલ્કતોને સીલ કરી તેમના પેટ પર પાટું મારીને વસુલ કરેલા વેરામાંથી લેપટોપ ખરીદવા યોગ્ય છે ખરા ? જાે મ્યુનિ.હોદ્દેદારો આ ખરીદીને યોગ્ય માનતા હોય તો તેના કારણો પણ પ્રજાને આપવા જાેઈએ તેવી ચર્ચા પણ ચાલી રહી છે.