Western Times News

Gujarati News

મનપાની નવી ટીમના શિરે ખાલી તિજાેરી સાથે વિકાસ કરવાની કપરી જવાબદારી

ભરતી પ્રક્રિયાથી પસંદ થયેલા એડી. ઈજનેરોને નવા હોદ્દેદારો માન્ય રાખશે ?- ચર્ચાનો વિષય

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીમાં પ્રચંડ બહુમતિ મેળવ્યા બાદ ભાજપાએ ગત્‌ ૧૦મી માર્ચે મેયર, ડે.મેયર, સ્ટે. કમીટી ચેરમેન સહિત પાંચ હોદ્દેદારો અને સ્ટેન્ડીંગ કમીટી સભ્યોના નામની જાહેરાત કરી છે. ભાજપની નવી ટીમ એકદમ નવી નથી તો બહુ અનુભવી કહી શકાય તેવી પણ નથી.

મેયર કીરીટભાઈ પરમારની ત્રીજી ટૃમ છે જયારે ભાસ્કર ભટ્ટ અને ગીતાબેન પટેલની બીજી ટર્મ છે. પરંતુ આ ત્રણેયને ભુતકાળમાં અત્યંત મહત્વપૂર્ણ કહી શકાય તેવી જવાબદારી સોંપવામાં આવી નથી જયારે સ્ટે. ચેરમેનની પ્રથમ ટર્મ જ છે. મ્યુનિ. કોર્પોરેશનની આંટીઘુંટી સમજવામાં તેમને થોડો સમય લાગશે.

મ્યુનિ. ભાજપની નવી ટીમ સેટ થાય તે પહેલા તેના શિરે ત્રણ મહત્વના નિર્ણયો લેવાની જવાબદારી આવી છે જેના કારણે નવા હોદ્દેદારો માટે શરૂઆતથી જ કપરા ચઢાણ રહેશે તેમ માનવામાં આવી રહયુ છે. મ્યુનિ. કોર્પોરેશનમાં ર૦૧પથી ર૦ર૦ની ટર્મ પૂર્ણ થઈ તે પહેલા અને ત્યારબાદ અનેક નવા ઘટનાક્રમ થઈ ચુક્યા છે.

જેનો સામનો કરવાની જવાબદારી નવી ટોચ પર છે. મ્યુનિ. કોર્પોરેશનની નાણાકીય સ્થિતિ અત્યંત ખરાબ થઈ ચુકી છે. રાજય સરકાર પાસે કોરોના ખર્ચ પેટે રૂા.૪પ૦ કરોડ લેવાના બાકી છે. તદ્‌પરાંત ૮૦ઃર૦ સ્કીમના જુના રૂા.૧૪૦ કરોડ બાકી છે.

જયારે નવી ૬૦૩ સોસાયટીઓના કામ મ્યુનિ. ખર્ચથી થઈ રહયા છે. મ્યુનિ. કોર્પોરેશન પાસે રૂા.૪રપ કરોડની ફીકસ્ડ ડીપોઝીટ હતી તે પણ ખર્ચ થઈ ચુકી છે. સરકારે બે દિવસ અગાઉ સ્વર્ણિમ પેટે રૂા.૧૩૦ કરોડ ફાળવ્યા છે પરંતુ આટલી રકમથી “વહીવટ” અને “વિકાસ” શકય નથી !

માર્ચ એન્ડીંગમાં રૂા.૪પ૦ કરોડના બીલ ચુકવવાના બાકી છે. જે રકમ ક્યાંથી આવશે ? અને કેવી રીતે ચુકવાશે ? તે યક્ષ પ્રશ્ન છે. મ્યુનિ. હોદ્દેદારોએ “વિકાસ”ના દાવા કરતા પહેલા “વિકાસ” માટે ખર્ચ થયેલ રકમના પેમેન્ટ કરવા જરૂરી બને છે. નવા નાણાકીય વર્ષના બજેટમાં પણ આવક-જાવકના પલડા સરખા કરવા મુશ્કેલ બનશે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.

મ્યુનિ. કોર્પોરેશનની ગત્‌ ટર્મમાં છેલ્લી સ્ટાફ સિલેકશન કમીટીના કામો પડતર છે જેમાં બહારની ભરતી પ્રક્રિયાથી “પસંદ” કરવામાં આવેલા ત્રણ એડી. ઈજનેરોની પસંદગી તેમજ બે ડે.ઈજનેરોના પ્રમોશનનું કામ હતું. તંત્ર દ્વારા થયેલ ભરતી પ્રક્રિયામાં ગેરરીતી થઈ હોવાની વાતો બહાર આવી હતી.

મ્યુનિ. કમિશ્નરે ત્રણ જગ્યા માટે લાયકાત મુજબ પસંદ થયેલા સભ્યોની યાદી આપવાના બદલે તેમને પસંદ હોય તેવા ત્રણ કર્મચારીઓના નામ જ કમીટી સમક્ષ રજુ કર્યા હોવાના આક્ષેપ થયા હતા. મ્યુનિ. કમિશ્નરે જે ત્રણની પસંદગી કરી છે તે પૈકી બે અધિકારી તેમના કાર્યાલયમાં અંગત સચિવ તરીકે ફરજ બજાવી રહયા છે.

તેથી તેમની પસંદગી સામે પ્રશ્નાર્થ લાગી ગયો છે. જુની ટીમે તમામના નામ રજુ કરવા આગ્રહ રાખ્યો હતો જેના કારણે કમીટી મળી ન હતી. પરંતુ “મારા તે સારા”ની લડાઈમાં હવે નિર્દોષ અધિકારીઓ ખોટી સજા ભોગવ ીરહયા છે.

મધ્યઝોનના એડીશનલ ઈજનેર સકસેના અને પાણી ખાતાના ઈન્ચાર્જ એડીશનલ પી.એ. પટેલના પ્રમોશન છેલ્લા બે વર્ષથી “ડ્યુ” થઈ ગયા છે. પરંતુ મ્યુનિ. કમિશ્નરે નિયમ મુજબ પ્રમોશન આપવા કરતા કાર્યાલયના કર્મચારીઓને ભરતી પ્રક્રિયાથી પ્રમોશન આપવામાં રસ દાખવ્યો હતો

જેના કારણે બે ડે. ઈજનેરના પ્રમોશન અટકી ગયા છે. મ્યુનિ. કોર્પોરેશનની નવી ટીમે આ સમસ્યાનો પણ ઉકેલ લાવવાનો છે તેમાં એ જાેવું રસપ્રદ રહેશે કે નવી ટીમ કમીશ્નરના પ્રભાવમાં આવીને નિર્ણય કરશે કે પછી લાયક ઉમેદવારોને જ ન્યાય આપશે ?


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.