મનપા, જિ. પંચાયતો અને તાલુકા પંચાયતોની મતગણતરી એક જ તારીખે નહીં થાય
અમદાવાદ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની મતગણતરી એક જ તારીખે નહિ થાય. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે થયેલી અરજી પર મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ અંગેની અરજી ફગાવી દીધી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીની મતગણતરીની તારીખ અલગ હોવાથી કોર્ટમાં અરજી થઈ હતી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી અંગે હાઈકોર્ટ આજે મોટો ચુકાદો આપ્યો છે. મહાનગર પાલિકા અને જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકાની મતગણતરી અલગ અલગ રાખવાથી અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને એક જ દિવસે મતગણતરી રાખવાની માંગ કરી હતી.
જેમાં એક દિવસે મતગણતરી કરવી શક્ય ન હોવાની ચૂંટણી પંચે રજૂઆત કરી હતી. જેમાં અલગ અલગ મતગણતરી કરવી કે એક દિવસે મતગણતરી કરવી તેના પર આજે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે.
મહત્વનું છે ચૂંટણી પંચે અલગ અલગ મતદાનની સાથે મતગણતરી માટે અલગ અલગ તારીખો જાહેર કરી હતી. જેમાં અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, નિષ્પક્ષ અને ન્યાયિક ચૂંટણી યોજવી એ તમામની ફરજ છે. જેના જવાબમાં ચૂંટણી પંચે ૩૦૩ પાનાનું સોંગદનામું રજૂ કરી કહ્યું હતું.
જેમાં ચૂંટણી પંચે જવાબ રજૂ કરીને કહ્યું કે, વર્ષ ૨૦૦૫માં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણની મતગણતરી અલગ અલગ થઈ હતી. એક જ દિવસે મતગણતરી કરવામાં વધુ સ્ટાફની જરૂર પડે, જેથી તે શક્ય નથી. ઉપરી અધિકારીએ દરેક સ્થળે પહોંચવાનું હોવાથી એ પહોંચી શક્તા નથી. તેમજ કોવિડ મહામારીના કારણે એલ રૂમમાં ૧૪ ટેબલના બદલે ૭ ટેબલ રાખવા પડે એમ છે. જેથી એકસાથે મતગણતરી શક્ય નથી.