મનસુખ હિરેનની હત્યામાં પોલીસ કર્મી-બુકીની ધરપકડ
વાઝે, અન્યોએ મનસુખ-એકબીજા સાથે કરેલ વાતચીતના ડિજિટલ પુરાવા જ એટીએસને શકમંદો સુધી દોરી ગયા
મુંબઈ, મહારાષ્ટ્ર એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ રવિવારે મનસુખ હિરેન હત્યા કેસમાં પેરોલ પર છૂટેલા દોષિત પોલીસકર્મી અને એક બુકીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, મનસુખ હિરેન એ જ વ્યક્તિ હતો જેની સ્કોર્પિયો કાર ૨૫ ફેબ્રુઆરી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની નજીક મળી આવી હતી.
આ કારમાં વિસ્ફોટકો હતા. ધરપકડ કરાયેલા દોષિત પોલીસકર્મીની ઓળખ વિનાયક શિંદે (૫૫ વર્ષ) તરીકે થઈ છે. કોન્સ્ટેબલ વિનાયક શિંદેની છોટા રાજનના સાગરીત રામ લખન ભૈયાના ૨૦૦૭માં થયેલા ફેક એન્કાઉન્ટર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે પકડાયેલો બીજાે શખ્સ છે નરેશ રમણીકલાલ ગોરે (૩૧ વર્ષ), જે બુકી છે.
મે ૨૦૨૦થી પેરોલ પર છૂટેલા વિનાયક શિંદેએ સચિન વાઝે સાથે નિવૃત્ત એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માની ટીમમાં કામ કર્યું હતું. એટીએસને શંકા છે કે વિસ્ફોટકો મૂકવાનો આરોપ પોતાના માથે લેવાની મનસુખે આનાકાની કરતાં તેની હત્યા કરી દેવાઈ હશે અને આ મામલે હજી વધુ પોલીસકર્મીઓની સંડોવણી હોઈ શકે છે.
સચિન વાઝેએ મનસુખને મારવાનો આદેશ આપ્યો હશે પરંતુ તેની હત્યા થઈ એ વખતે ત્યાં હાજર નહીં હોય. સચિન વાઝે અને અન્યોએ મનસુખ તેમજ એકબીજા સાથે કરેલી વાતચીતના ડિજિટલ પુરાવા જ એટીએસને શકમંદો સુધી દોરી ગયા. વિનાયક શિંદે અને નરેશ ગોરેને થાણેની એટીએસ કોર્ટમાં રજૂ કરાયા હતા.
કોર્ટે તેમને ૩૦ માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. એટીએસના ચીફ જયજીત સિંહે કહ્યું કે, બુકી નરેશ ગોરેએ પાંચ સીમકાર્ડ ખરીદ્યા હતા અને તે વિનાયક શિંદેને આપ્યા હતા. વિનાયક શિંદે પેરોલ પર છૂટ્યો ત્યારથી સચિન વાઝેના સંપર્કમાં હતો. એક અધિકારીએ કહ્યું કે, આ તો નાની-નાની ધરપકડ છે.
હજી વધુ શકમંદો મોટાભાગે પોલીસકર્મીઓની એક-બે દિવસમાં અટકાયત કરવામાં આવશે. પકડાયેલા આ બંને આરોપીઓએ પોતાની ભૂમિકાની કબૂલાત કરવાની સાથે વાઝે અને અન્ય પોલીસકર્મીઓએ પૂરા પાડેલા લોજિસ્ટિક સપોર્ટનો પણ ખુલાસો કર્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર, સચિન વાઝેએ મનસુખને કહ્યું હતું કે વિસ્ફોટકો મૂકવાની જવાબદારી તે લે. પરંતુ મનસુખે ના પાડી હતી.
સચિન વાઝેએ આતંકવાદનો કેસ ઊભો કર્યો તેના પાછળ આ બે થિયરી છે. વાઝે આ કેસ ઉકેલીને સુપર કોપ બનવા માગતા હતા. અથવા તો વાઝે અને અમુક સિનિયર અધિકારીઓ સહિતના પોલીસકર્મીઓ એક કોર્પોરેટ હાઉસ દ્વારા લોન્ચ થનારી પ્રાઈવેટ સિક્યુરિટી ફર્મમાં કામ મેળવવા ઈચ્છતા હતા, તેમ એક અધિકારીએ કહ્યું.
પ્રાથમિક તપાસ પરથી જાણવા મળ્યું કે, સચિન વાઝેએ મનસુખને હટાવી દીધો કારણકે તેમને લાગતું હતું કે તે દબાણમાં આવીને પ્લાન ખુલ્લો પાડી દેશે. મનસુખનું કાસળ કાઢી નાખવાનો પ્લાન ૨ માર્ચના રોજ ઘડાયો હતો. એ દિવસે ક્રાફર્ડ માર્કેટ પાસે આવેલા હેડક્વાર્ટર્સમાં વાઝે અને તેના બે સહકર્મીઓએ બે કલાક સુધી મીટિંગ કરી હતી.
આ જ દિવસે વાઝેએ મનસુખને વકીલ દ્વારા એક પત્ર તૈયાર કરાવાનું કહેવાયું હતું. જેમાં કથિત રીતે તે પોલીસ અને મીડિયાના દબાણમાં હોવાનો ઉલ્લેખ કરવાનો હતો. જાે કે, હકીકત આવી નહોતી. વાઝેના ફોન રેકોર્ડ પરથી ખબર પડી કે એ રાત્રે તેનું લોકેશન અંબાણીના ઘરની નજીકનું હતું, તેમ એક અધિકારીએ માહિતી આપી.