‘મની-મસલ્સ, એમ્બિસિયસ’ની વચ્ચે ફસાતુ ગુજરાતનું રાજકારણ
જે જવા જ માંગે છે તેને પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી કઈ રીતે રોકી શકે?? વ્યાપારીકરણ તમામ ક્ષેત્રનું થયુ હોવા છતાં ‘રાજકારણી’ઓ જ લોકોની નજરમાં કેમ??
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુજરાતનું રાજકારણ ફરી પાછુર્ ચર્ચાના ચગડોળે ચડ્યુ છે. કોંગ્રેસમાંથી રાજકીય આગેવાનોનું ભાજપ તરફ પ્રયાણ શરૂ થઈ ગયુ છે. આગામી દિવસોમાં કોંગ્રેસના કેટલાંક આગેવાનો પક્ષ સાથેનો છેડો ફાડશે કે કેમ? તેને લઈને રાજકીય ગલિયારીઓમાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. પણ હકીકત એ છે કે કોંગ્રેસે પણ તેનો દરવાજાે ખોલી નાંખ્યો છે. જે જવાનું છે તેને કોઈ રોકી શકેે તેમ નથી.
વળી, લાંબા સમયથી કોંગ્રેસ સત્તામાં નથી તેથી કોઈપણ રાજકીય અગ્રણીને અનેક મુદ્દાઓ રજુ કરીને પક્ષ છોડવો જ હોય પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી શુ કરી શકે?? સતા માટે તો ભાજપમાં જ જવુ પડે. કોંગ્રેસ છોડીને ગયેલા ઘણા આગેવાનોને સારા હોદ્દા પણ મળ્યા છે. તેમ કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરોનું કહેવુ છે.
આજકાલનું ગુજરાતનું રાજકારણ ‘મની-મસલ્સ અને એમ્બિસિયસ’ની વચ્ચે ફસાયેલુ નજરે પડી રહ્યુ છે. કારણ કે દરેકની પોતાની જરૂરીયાત અલગ અલગ હોય છે. રાજકારણ સેવાનું માધ્યમ રહ્યુ નથી એવું નથી કે ત્યાં સેવા કરવાવાળા જ નથી. એવા લોકો પણ ઘણા છે કે જેમની ઈમાનદારીને કારણે આજે તેમને કોઈની સમક્ષ હાથ લંબાવવો પડે એવી હાલત આવી ગઈ છે. વ્યાપારીકરણ રાજકારણનું નહીં દરેક ક્ષેત્રમાં થઈ રહ્યુ છે.
પરંતુ નજરે ‘રાજકારણીઓે’ ચડતા હોય છે. મની-મસલ્સ પાવર’નું સામ્રાજ્ય બિહાર, યુપી પૂરતુ સીમિત રહ્યુ નથી. ગુજરાતના રાજકારણમાં પણ તેનો પગ પેસારો થઈ ગયો છે. તેમ તટસ્થ રાજકીય કાર્યકરોનું કહેવુ છે.
આ બંન્ને વસ્તુનો ઉપયોગ દરેક રાજકીય પક્ષો સમય અનુસાર કરે છે. અગર તો કરતા આવ્યા છે. મની મસલ્સની સાથે એમ્બિસિયસ (મહત્વાકાંક્ષા) જાેડાઈ છે. જે લોકો રાજકારણમાં મજબુત છે તેમને આવકનો સ્ત્રોત શોધવાની જરૂર રહેતી નથી. લક્ષ્મી તેમને સામેથી જ ચાંદલો કરવા આવે છે એવું કહેવાય છે.
આ બધામાં ‘મહત્ત્વાકાંક્ષા’ જાેડાઈ. જેની પાસે પોતાનો અઢળક રૂપિયો છે. મસલ્સ પાવર છે. તેઓ માત્ર ‘પોતાની મહત્ત્વાકાંક્ષા’ને લઈને પક્ષ છોડતા હોય છે.
તેમની મહત્ત્વાંકાક્ષા એટલે અમુક ચોક્કસ બેઠકો પરથી ટીકીટની વાત હોય છે. એ મળી જાય એટલે વાર્તા પૂરી થાય છે. સાંપ્રત રાજકારણમાં આ કંઈ નવી વાત નથી. સમાજમાં દેરેક ક્ષેત્રે વ્યાપારીકરણ થઈ ગયુ છે. કોરોના કાળમાં નાગરીકોને તેનો અનુભવ થયો છે તો તેમાંથી પણ રાજકારણ કઈ રીતે બાકાત રહી શકે.