મની લોન્ડરિંગ : ચિદમ્બરમને જામીન આપવાનો ફરી ઇન્કાર
નવીદિલ્હી, દિલ્હી હાઈકોર્ટે આઇએનએક્સ મિડિયા મનિ લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને આજે જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જસ્ટિસ સુરેશ કેટે જામીન અરજી ઉપર ૮મી નવેમ્બરના દિવસે ચુકાદો અનામત રાખ્યો હતો. ચિદમ્બરમ અને ઇડીના વકીલો તરફથી દલીલો કરવામાં આવ્યા બાદ ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.
ઇડીએ ૧૬મી ઓક્ટોબરના દિવસે મની લોન્ડરિંગ કેસમાં ચિદમ્બરમની ધરપકડ કરી હતી. આઈએનએક્સ મિડિયા ભ્રષ્ટાચાર કેસના સંદર્ભમાં ૨૧મી ઓગસ્ટના દિવસે નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ મોડી રાત્રે ચિદમ્બરમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ૧૫મી મે ૨૦૧૭ના દિવસે સીબીઆઈ દ્વારા નોંધવામાં આવેલા કેસમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૦૭માં ૩૦૫ કરોડ રૂપિયાની વિદેશી રકમ મેળવવા માટે આઈએનએક્સ મિડિયા ગ્રુપ એફઆઈપીબી તરફથી જે મંજુરી અપાઈ હતી જેમાં મોટાપાયે ગેરરીતિ થઇ હતી.