Western Times News

Gujarati News

મનુષ્યના સ્વાસ્થ્યમાં વનસ્પતિઓના પ્રભાવ વિશેની જાણકારીથી પ્રવાસીઓને અત્યંત પ્રભાવિત કરતું કેવડીયાનું “આરોગ્ય વન”

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ૧૭ એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલાં “આરોગ્ય વન”માં ૩૦૦ થી વધુ વનસ્પતિની પ્રજાતિ જેમાં વેલા, છોડ તેમજ ઔષધીય મહત્વ ધરાવતા વિવિધ વૃક્ષોની જાતોના ૬ લાખ  જેટલાં રોપાઓનું વાવેતર કરાયું છે

વનસ્પતિઓના અલગ અલગ ભાગોની જુદી જુદી સુગંધ મનુષ્યના શરીરના ઘણાં રોગો દૂર કરવામાં મદદરૂપ થવાની સાથે તે શારીરિક ક્ષમતા વધારવા અને મનુષ્યને માનસિક રીતે ખુશ્નુમાં રાખવામાં સહાયરૂપ બને છે

રાજપીપળા, સોમવાર :– અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની વિરાટ પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ની આસપાસના વિસ્તારોનું સૌંદર્ય વધારવા અને તેની જૈવિક વિવિધતાને જાળવી રાખવા સાથે આ વિસ્તારની સુવિધા વધારવા માટે ગુજરાતના વન વિભાગ દ્વારા ૧૭ એકરની વિશાળ જગ્યામાં આરોગ્ય વન વિકસાવવામાં આવ્યું છે અને ૩૦૦ થી વધુ વનસ્પતિની પ્રજાતિ જેમાં વેલા, છોડ તેમજ ઔષધીય મહત્વ ધરાવતા વિવિધ વૃક્ષોની જાતોના ૬ લાખથી વધુ રોપાઓનું વાવેતર કરાયું છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતાં મુલાકાતીઓ-પ્રવાસીઓને મનુષ્યના સ્વાસ્થ્યમાં વનસ્પતિઓના પ્રભાવ વિશેની જાણકારીથી  અત્યંત પ્રભાવિત કરી રહયું છે.

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેકટ સમા આ “આરોગ્ય વન” પ્રોજેકટની કામગીરી ગત મે-૨૦૧૯ માં હાથ ધરીને તે ઓકટોબર-૨૦૧૯ માં પૂર્ણ કરવામાં આવી છે. આ “આરોગ્ય વન” ખાસ કરીને ઔષધીય વનસ્પતિની વિશાળ શ્રેણી અને સ્વાસ્થ્ય પામવાના ઉપચોરોને સમર્પિત છે. અને મનુષ્યના સ્વાસ્થ્યમાં વનસ્પતિઓ સૌથી મહત્વનો ભાગ ભજવતી હોવાની વિચારસરણી ઉપર તેમાં ભાર મૂકાયો છે. મનુષ્ય તન અને મનના સ્વાસ્થ્ય સાથે કુદરતી રીતે જીવન જીવે એજ આ ઉપવનનો મુખ્ય ઉદેૃશ રહેલો છે અને તે યોગ, આયુર્વેદ અને ધ્યાનયુકત જીવન પર નિર્ભર છે.

રાજપીપલાના સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી પ્રતિક પંડયાએ આરોગ્ય વન વિશે આપેલી ઉકત વિગતો સાથે વધુમાં તેમણે આપેલી જાણકારી મુજબ આરોગ્ય વનમાં મનુષ્યના શરીરની પાંચેય ઇન્દ્રિયોને અનુરૂપ સ્પર્શતા ગાર્ડન બનાવવામાં આવ્યો છે. જેમાં કલર ગાર્ડન દ્રષ્ટિ માટે, અરોમા ગાર્ડન સુંગધ માટે, લજામણી જેવા વનસ્પતિ સ્પર્શનો અહેસાસ કરાવે છે. યોગા ગાર્ડન શરીરના સ્વાસ્થ્ય માટે, આલ્બા ગાર્ડન મનની શાંતિ માટે જયારે લ્યુટીયા ગાર્ડન ઉત્સાહવર્ધક છે.

આ આરોગ્ય વનમાં મહાકાય ત્રણ આયામી “ઔષધ માનવ” ની મુદૃામાં જોવા મળે છે, જેમાં રહેલાં રસ્તાઓ આપણને ધમની અને શીરાઓમાંથી પસાર થવાનો અહેસાસ કરાવે છે. આ ઔષધ માનવમાં જુદા જુદા અંગોમાં થતાં રોગોના ઉપચાર માટે વપરાતી જુદી જુદી વનસ્પતિઓ રોપવામાં આવી છે. “આરોગ્ય વન” ની રચના પગથીયા રહિત છે. અહીંની દરેક જગ્યાએ ગોલ્ફકાર્ટ અને વ્હીલચેર જઇ શકે તે વાતનું ખાસ ધ્યાન રાખવાને લીધે આ બગીચામાં લોકસમૂહ અને દિવ્યાંગજનો શરળતાથી હરી ફરી શકે છે.

અહીં કમળ તળાવની પણ રચના કરવામાં આવી હોવાને લીધે મુલાકાતીઓને કમળોની પાસે સૂતેલા ઔષધ માનવને નિહાળી રહયા હોય તેવો અહેસાસ થાય છે. ઔષધ માનવ અને કમળથી ભરેલ તળાવ સાથે અહીં ગાર્ડન ઓફ કલર્સ, ઇન્ડોર પ્લાન્ટસ વિભાગ, અરોમા ગાર્ડન, યોગા ગાર્ડન, આલ્બા ગાર્ડન, લ્યુટિયા ગાર્ડન, ડિજિટલ ઇન્ફોરમેશન સેન્ટર, સોવેનીયર શોપ, આરોગ્ય પ્લાન્ટસ શોપ જેવા અન્ય આકર્ષણો ઉપરાંત કાફેટેરીયા ખાતે પ્રવાસી-મુલાકાતીઓ ઔષધીય ગુણવત્તા ધરાવતા આહાર તેમજ ખાટી ભીંડી જેવા સરબતનું પાન કરી શકે છે. કાફેટેરીયા, ઓર્ગેનિમ પોર્ટ પ્લાન્ટ, માટસના વાસણો વગેરે સહિત ઔષધીય ચીજવસ્તુઓની બનાવટ અને તેનું વેંચાણ તેમજ ગોલ્ફ કાર્ટનુ ડ્રાઇવીંગ વગેરેનુ સ્થાનિક સ્વસહાય જુથની બહેનો દ્રારા સંચાલન કરાય છે.


વન વિભાગ દ્રારા આ સ્વસહાય જુથોની બહેનોને વન વિભાગે વ્યવસાયની તક પૂરી પાડીને તેમના આર્થિક ઉર્પાજનમાં સહાયરૂપ બન્યુ છે. મનમોહક પ્રાદેશિક સંગીત સાથે અહીંનો પ્રવેશદ્રાર “સૂર્ય નમસ્કાર”ની બાર મુદ્રાઓથી સુશોભિત છે. ડિજિટલ ઇન્ફોરમેશન સેન્ટરમાં રોજીંદા જીવનમાં વનસ્પતિઓનું મહત્વ અને આપણા આયુર્વેદના વારસોને વિવિધ દ્રશ્ય શ્રાવ્ય પધ્ધતિથી ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. અહીં ઇ-પોસ્ટર અને મુવી દ્રારા આરોગ્ય અને ઔષધિય વનસ્પતિઓની તમામ  માહિતી પીરસવામાં આવી છે.

અહીંના ગાર્ડન ઓફ કલર્સમાં અલગ-અલગ રંગના ફૂલ-પત્તાનો સમાવેશ કરેલ છે, જે અહીંના રંગબેરંગી સૌદર્યમાં વધારો કરે છે. અહીનું અદ્ ભૂત સૌંદર્ય પ્રવાસી-મુલાકાતીની દ્રષ્ટિને જાણે બાંધી રાખે છે. અહીંના ઇન્ડોર પ્લાન્ટસ વિભાગ પણ ઉભો કરાયો છે. જે ઘરની અંદરના ભાગની સુંદરતા વધારવા પર ભાર આપે છે. ઘરમાં રાખેલ વનસ્પતિઓ ઘરના વાતાવરણને શુધ્ધ અને શાંત રાખે છે. જેથી મનુષ્યની કાર્યક્ષમતા પણ વધે છે. આ ઇન્ડોર પ્લાન્ટસ વિભાગને આકાશ નિહાળી શકાય તેવી રીતે અર્ધ ખુલ્લો રાખવામાં આવ્યો છે. તેવી  રીતે અહીં આવેલ એરોમા ગાર્ડનમાં જુદા જુદા પ્રકારની ખાસ સુગંધવાળા છોડ ઉગાડવામાં આવ્યા છે. ઘ્રાણેન્દ્રીય એ માણસની એક ખુબ જ મહત્વની ઇન્દ્રીય છે.

વનસ્પતિના અલગ-અલગ ભાગોની અલગ-અલગ સુગંધ મનુષ્યાના શરીરના ઘણા રોગો દૂર કરવામાં મદદરૂપ થવાની સાથે તે શારીરિક ક્ષમતા વધારવામાં અને માનસિકતાને ખુશનુમા રાખવામાં સહાયરૂપ બને છે. અહીં યોગા ગાર્ડનને પૂર્વ દિશા સિવાય બધી જ બાજુએ ઘાટા વૃક્ષો ઉગાડીને શાંત વાતાવરણની રચના થાય તે રીતે બનાવવામાં આવ્યો છે. જે પૂર્વનો ભાગ ખુલ્લો રાખવામાં આવ્યો છે તે દિશામાં આપણે ખુલ્લુ આકાશ, સૂર્ય, પહાડ અને પાણીનો નાનકડો ધોધ નિહાળી શકીએ છીએ.


આ દ્રશ્ય આપણને યોગ કરવામાં તથા ધ્યાન મગ્ન થવામાં ખરેખર જ સહાયરૂપ છે. યોગ કરીને ચિંતામુકત થવુ, શરીરની સ્થિતિ સ્થાપકતામાં વધારો થવો, સ્નાયુઓ મજબુત થવા, શરીર સુડોળ થવુ, લોહીનું પરિભ્રમણ વ્યવસ્થિત થવુ, માનસિક તંદુરસ્તી મેળવવી વગેરે જેવા યોગા ગાર્ડનના ફાયદાઓ ઉપરાંત યોગ મનુષ્યને આત્મા-ચેતના તરફ વાળીને એકાગ્રતા વધારે છે, તેની સાથોસાથ શાંતિપૂર્ણ નિંદ્રા આપે છે અને શારીરિક દુખા:વો પણ દૂર કરે છે.

આલ્બા ગાર્ડનમાં સફેદ રંગનાં ફુલો, છોડવા અને ઔષધિય વનસ્પતિઓ આવેલી છે, જે સુખમય અને શાંત વાતાવરણનો અહેસાસ કરાવે છે. અહીં આવેલ સફેદ અને રૂપેરી રંગના ફુલો દિવસે પણ જાણે ચાંદની પથરાયેલી હોય તેવો અહેસાસ કરાવે છે. જેમ સફેદ રંગ શાંતિનું પ્રતિક છે તે જ રીતે અહીંના સફેદ ફુલો શાંતિપૂર્ણ ખુશી ફેલાવે છે. સાંજે અને રાતના સમયે તો આ સફેદ રંગ અનેરી રીતે ખીલી ઉઠતાં જાણે કે અહીંની ભૂગોળ જ બદલાઇ જાય છે. તેવીજ રીતે લ્યુટીયા ગાર્ડન સોનેરી અને પીળો રંગ દર્શાવે છે. હર્ષેાલ્લાસના પ્રતિકસમા પીળા ફુલો હંમેશાથી સુશોભન માટે વપરાય છે, જે વ્યકતિના ઉત્સાહમાં વધારો કરીને મનુષ્યને પ્રફુલ્લિત રાખે છે.

આરોગ્ય વનમાં આઉટડોર મિડીયા સિસ્ટમ દ્રારા પ્રાદેશિક સંગીત સૂર રેલાવવામાં આવે છે. જે જંગલમાં ફરવાનો અહેસાસ કરાવે છે. કુદરતી ઉપચારની પધ્ધતિ આપણને દવાઓ અને ઓપરેશન (વાઢકાપ) વિનાની જીવનપધ્ધતિ તરફ દોરી જાય છે અને હવા, પાણી, માટી અને ઔષધોના ઉપયોગથી સ્વાસ્થ્યતા જાળવવા પર ભાર આપે છે. આરોગ્ય વન ખાતે આવેલ વેલનેસ સેન્ટર ખાતે નેચરોપેથીની કેરળની પ્રચલિત ઉપચાર પધ્ધતિ અનુસાર નેચરોપેથી સેન્ટર અનેક રોગોના ઉપચાર અને ઉપાયમાં સહાયક છે. આરોગ્ય વનમાં આવેલ આ વેલનેસ સેન્ટરમાં વ્યકિત શીરોધારા, શીરોબસ્તી, નાસ્ય, રસાયણ ચિકિત્સા, સ્ટીમ બાથ અને મસાજ જેવા ઉપચારોની ગુજરાતમાં ઘરઆંગણે ઓછા ખર્ચે અહીં સેવા ઉભી કરાઇ છે જેનો પ્રવાસીઓને બહોળો લાભ પણ મળતો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.