“મનુષ્ય ગમે તે દેવતાની ઉપાસના કરે, પરંતુ તેને શ્રધ્ધાને આધારે ફળ તો પરમાત્મા જ આપતા હોય છે”
શ્રી ઇન્દ્રવદન મોદી તથા શ્રીમતી શીલાબેન મોદીની પુણ્યસ્મૃતિમા કેડિલા ફાર્મા દ્વારા યોજાયેલી શ્રીમદ્ ભગવદ્ ગીતા કથાની પૂર્ણાહુતિ
કેડિલા ફાર્મા દ્વારા આયોજીત શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાન યજ્ઞના સાતમા અધ્યાયના સાતમાં અને અંતિમ દિવસના પ્રવચનમાં પૂજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પંડયાએ જણાવ્યું હતું કે “પરમાત્માના કોઈ પણ સફળ સ્વરૂપની આરાધના માટે શ્રધ્ધા અત્યંત આવશ્યક છે. ઈચ્છિત કામના પૂરી કરવા માટે મનુષ્ય ગમે તે દેવતાની ઉપાસના કરે, પરંતુ તેને શ્રધ્ધાને આધારે ફળ તો પરમાત્મા જ આપતા હોય છે. વસ્તુતઃ દેવતાઓના વિવિધ સ્વરૂપ અંતે તો એક જ પરમ તત્વની અભિવ્યક્તિ છે.”
કર્મનુ ફલ નાશવંત છે. આ ઉપરાંત તેની માત્રા કર્મ કરનારની બુધ્ધિની મર્યાદા ઉપર આધારિત હોય છે. અલ્પ બુધ્ધિ મનુષ્ય પોતાની યોગ્યતાથી વધુ વિચાર, કર્મ કે ફળની અપેક્ષા રાખી શકતો નથી. તેનુ કારણ એની બુધ્ધિ મર્યાદા છે. એમની સ્થિતિ લોખંડનો કોઈ કટોરો ધરાવતો કોઈ ભિક્ષુક, પ્રસન્ન થયેલ રાજા પાસે ચાંદીનુ ભિક્ષાપાત્ર જ ઈચ્છે, એવી હોય છે.
બુધ્ધિહીન વ્યક્તિ ઈશ્વર પાસે શરૂઆતમાં ગલગલીયાં કરાવે પરંતુ પાછળથી પરેશાન કરે એવા વિષયોની માગણી કરે છે. અલ્પબુધ્ધિ મનુષ્ય ઈશ્વર પાસે ભૌતિક સુખ-સુવિધાઓની અપેક્ષા રાખતો હોય છે, જ્યારે બુધ્ધિમાન સાધક પરમાત્મા પાસે કલ્યાણ માટે પ્રાર્થના કરતો હોય છે.
કેવળ વ્યક્તિરૂપ માનનારા લોકો ક્રિયાકાંડાત્મક મૂર્તિ પૂજામાં જ સાધનાની સંપૂર્ણતા માને છે. સગુણ સાકારની ઉપાસના ચિત્ત એકાગ્રતા માટે સચોટ સાધના છે પરંતુ ભગવાનને વ્યક્તિરૂપ માનનારાઓએ વ્યક્તિઓને જ ભગવાન બનાવી દઈ અગણિત સંપ્રદાયો ઉભા કર્યા છે. એમની સંકુચિત મનોદશા અને વાડાબંધીના કારણે અસંખ્ય ભોળા ભગતો ભટકી જાય છે અને પરમાત્માના દિવ્ય અનુભવથી વંચિત રહી જાય છે.
જ્યારે બીજી બાજુ જેમનાં પાપ નષ્ટ થયાં છે, પુણ્યનો ઉદય થઈ રહ્યો છે એવા સાધકો રાગ દ્વેષ જેવા દ્વંદાત્મક વિકારોથી મુક્ત થઈને દ્રઢ નિશ્ચયપૂર્વક પરમાત્માનો આશ્રય લઈ કે શરણ સ્વીકારી જન્મ-મૃત્યુના ચકરાવામાંથી છૂટવા માટે પ્રયાસ કરે છે. તેઓ જ સંપૂર્ણ અધ્યાત્મને જાણીને પ્રભુકૃપા પ્રાપ્ત કરે છે. આમ ભગવાન શ્રી કૃષ્ણે શાસ્ત્રો અને વિદ્વાન સંતો પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી, જીવનમાં વૈજ્ઞાનિક અભિગમ ધરાવી એ સિધ્ધાંતો ઉપર આચરણ કરી અમૃતફળ પ્રાપ્ત કરી આનંદની ઉપલબ્ધી કરવાનો માર્ગ બતાવ્યો છે.