મને મહિને ૫ લાખ પગાર મળે છે, પોણા ૩ લાખ ટેક્સ કપાય છે : રાષ્ટ્રપતિ
લખનૌ: ટ્રેન દ્વારા પોતાના વતન જઈ રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઝીઝક રેલવે સ્ટેશને પોતાની જૂની વાતો યાદ કરી હતી અને કહ્યું હતું કે તેમનો મોટા ભાગનો પગાર ટેક્સમાં કપાઈ જાય છે. સૌથી વધુ તો શિક્ષકોનો પગાર છે. તેમણે પોતાના સન્માન કાર્યક્રમમાં મજાકના સૂરે કહ્યું હતું કે મને મહિને ૫ લાખ રૂપિયા પગાર મળે છે, પરંતુ એમાંથી પોણાત્રણ લાખ રૂપિયાનો ટેક્સ કપાય છે. મારી પાસે કંઈ બચતું જ નથી. અહીં બેઠેલા શિક્ષકોની કમાણી મારા કરતાં વધુ હશે. રાષ્ટ્રપતિ પોતાના મિત્રો અને સગાંવહાલાંને પણ મળ્યા હતા. તેમણે પોતાનું બાળપણ યાદ કરતાં કહ્યું હતું કે ઝીઝક સ્ટેશને તેઓ ખુરશીમાં બેસીને ટ્રેનની રાહ જાેતા હતા.
ઉચ્ચ શિક્ષણ માટે કાનપુર અને ત્યાંથી દિલ્હી ગયા હતા. ઝીઝક સ્ટેશને રાષ્ટ્રપતિએ પોતાના ભાભી વિદ્યાવતી સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન મજાકમાં તેમણે કહ્યું હતં કે ભાભી આજકાલ તમે અખબારોમાં બહુ પ્રસિદ્ધ થઈ રહ્યાં છે. વિદ્યાવતીએ પછીથી કહ્યું હતું કે રાષ્ટ્રપતિને બાળપણમાં મજાકની બહુ આદત હતી અને આજે પણ તેઓ આમાથી બાકાત રહી શક્યા નહીં. રાષ્ટ્રપતિ પોતાના ભાઈ પ્યારાલાલ સાથે વધુ સમય રહ્યા હતા. તેમણે સાવધાની રાખવા કહ્યું હતું.
આ ઉપરાંત રાષ્ટ્રપતિ પોતાના બાળપણના મિત્ર કૃષ્ણકુમાર અગ્રવાલને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. કાપના વેપારી કૃષ્ણકુમાર અગ્રવાલ ઘણા લાંબા સમયથી બીમાર છે, આથી તેઓ સર્કિટ હાઉસ જઈ શકે તેમ નહોતા, પણ રાષ્ટ્રપતિએ પોતે મિત્રના ઘરે જવાની જીદ કરી હતી. રાષ્ટ્રપતિ પોતાના ગામમાં ત્રણ કલાક રોકાયા હતા. રાષ્ટ્રપિત સોમવારે સવારે ૧૦ વાગે ટ્રેન દ્વારા લખનઉ જવા રવાના થયા હતાં