મને વિશ્વાસ છે સરકારના પ્રયાસોથી મારો શિવમ હેમખેમ યુક્રેનથી પરત ફરશે
અમદાવાદ રાણીપ વિસ્તારમાં રહેતા શિવમના પિતાશ્રી બાલકૃષ્ણ શર્માએ જણાવ્યું કે, આજે અમદાવાદ જિલ્લાના કલેક્ટરશ્રી સંદીપભાઇ સાગલે દ્વારા અમારા પરિવારની મુલાકાત લઇને અમને જે આશ્વાસન મળ્યું છે તેનાથી અમારા પરિવારને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકારના ઇન્ડિયન એમ્બેસી સાથેના સતત પ્રયાસોથી મારો શિવમ અમદાવાદ હેમખેમ પાછો ફરશે.
શિવમના પિતાશ્રી બાલકૃષ્ણ શર્માએ કહ્યું કે, શિવમ હાલમાં યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે. શિવમ અત્યારે યુક્રેનની બોર્ડર ક્રોસ કરીને રોમાનિયા ખાતે પહોંચી ગયો છે. રોમાનિયમાં ઇન્ડિયન એમ્બેસી દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે
જેના કારણે અમારી ચિંતા ઓછી થઇ ગઇ છે. શિવમ સાથે દિવસમાં એક-બે વાર વાતચીત કરીને તમામ પરિસ્થિતિથી અમે વાફેક પણ થઇ રહ્યા છીએ. શિવમ પણ રોમાનિયામાં ઇન્ડિયન એમ્બેસી દ્વારા કરાયેલી તમામ વ્યવસ્થાઓથી સંતુષ્ટ પણ છે. શિવમ યુક્રેનમાં હતો ત્યારે એ ખૂબ ઉદાસ થઇ ગયો હતો
પણ રોમાનિયા પહોંચી ગયા બાદ શિવમ અને તેની સાથે હાજર તમામ ભારતીયોને વિશ્વાસ થઇ ગયો કે ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોથી અમે પોતાના ઘરે જરૂર પહોંચી શકીશું. અમને પણ વિશ્વાસ છે કે ભારત સરકારના ઓપરેશન ગંગા થકી અમારો પુત્ર ઝડપથી પાછો આવી જશે.