મને સ્ટાર બનાવવા માટે અરમાનનો આભાર: શાહરૂખ
મુંબઈ, શનિવારના રોજ એનસીબીએ અભિનેતા અરમાન કોહલીના ઘરે દરોડા પાડ્યા હતા. આ સાથે જ તેની અટકાયત કરીને પૂછપરછ માટે ઓફિસ લઈ જવામાં આવ્યો હતો. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓનું કહેવું છે કે ટીમ અભિનેતા અરમાન કોહલીના મુંબઈ સ્થિત નિવાસસ્થાને દરોડા પાડવા પહોંચી હતી. ડ્રગ પેડલર સાથેના કનેક્શનના આરોપમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અરમાન કોહલીનું બોલિવૂડ કરિયર કંઈ ખાસ રહ્યું નથી. પણ, બોલિવૂડનો બાદશાહ શાહરુખ ખાન ચોક્કસપણે માને છે કે તેના કરિયરમાં અરમાન કોહલીનું મહત્વનું યોગદાન રહ્યું છે. એક્ટર અરમાન કોહલીએ ૧૯૯૨માં આવેલી ફિલ્મ ‘વિરોધી’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.
ત્યારબાદ અરમાન કોહલીને ફિલ્મ ‘દીવાના’નો તે રોલ ઓફર થયો હતો કે જે પછીથી શાહરુખ ખાને ભજવ્યો હતો. શાહરુખ ખાને ફિલ્મ ‘દીવાના’થી ડેબ્યુ કર્યું હતું. ‘બોલિવૂડ હંગામા’ સાથેની વાતચીતમાં અરમાન કોહલીએ જણાવ્યું હતું કે મને જૂની વાતનું કોઈ દુઃખ નથી.
શાહરુખ ખાનને ‘દીવાના’ ફિલ્મ મળી ગઈ અને તે સુપરસ્ટાર થઈ ગયો. મને આ વાતથી કોઈ ફરક પડતો નથી. અરમાન કોહલીએ વધુમાં જણાવ્યું કે મેં જે ફિલ્મો છોડી હતી તેમાંથી ૮૦ ટકા સુપરહિટ રહી અને કારણે જ બોલિવૂડને સુપરસ્ટાર મળી શક્યા.
અરમાન કોહલીએ એવું પણ કહ્યું કે તેણે આ બાબતે ક્યારેય પણ શાહરુખ ખાન સાથે વાત કરી નથી અને તે એવું પણ માને છે કે જાે હું ‘દીવાના’માં શાહરુખની જગ્યાએ હોત તો ફિલ્મ હિટ ના થઈ હોત. શાહરુખ ખાને ‘ફિલ્મફેર’ને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મેં ‘દીવાના’ ફિલ્મમાં ઓવર એક્ટિંગ કરી હતી. મને નથી લાગતું કે ‘દીવાના’ હિટ થઈ તેમાં મારો કોઈ હાથ હોય. મેં તેમાં ખરાબરીતે ઓવર એક્ટિંગ કરી હતી અને તેના માટે હું જવાબદાર છું.
એક અન્ય ઈન્ટરવ્યુમાં શાહરુખ ખાને કહ્યું હતું કે મારા કરિયર માટે હું અરમાન કોહલીનો આભાર વ્યક્ત કરું છું. મને સ્ટાર બનાવવા માટે અરમાન કોહલી જવાબદાર છે. ‘દીવાના’ના પ્રથમ પોસ્ટરમાં તે દિવ્યા ભારતી સાથે જાેવા મળ્યો હતો. મારી પાસે આજે પણ તે પોસ્ટર છે. મને એક સ્ટાર બનાવવા માટે અરમાન કોહલીનો આભાર.SSS