મન ભરીને અવિરત પ્રેમની વાતો બહુ કરી ચાલ હવે આપણે બેમાંથી એક બની જઈએ
પ્રેમની વસંત બારેમાસઃ નિલકંઠ વાસુકિયા
કોલેજની પરીક્ષાનું છેલ્લું પેપર પૂરું થવાની છેલ્લી ક્ષણો ગણાય રહી છે અને કોલેજ કેમ્પસની બહાર લોકોની ચહલ-પહલ જોવા મળી રહી છે. કોલેજની પરીક્ષા પૂર્ણ થવાથી વિદ્યાર્થીઓ હસી ખુશી સાથે કોલેજમાંથી બહાર નીકળશે તેવી બધા લોકોને આશા છે. પરંતુ કોલેજનો જેવો દરવાજો ખુલે છે કે સામેથી દોડીને આવતી જાનવી નામની યુવતી નજરે પડે છે. હાથમાં પુસ્તકો, પેન, ખુલ્લા વાળ, માથા પર પરસેવો વળી ગયેલી યુવતી પોતાના બચાવ માટે આમતેમ દોડી રહી હોય તેમ લાગી રહ્યું છે. જાનવીની પાછળ ત્રણ યુવાનો પણ દોડી રહ્યા છે ત્યારે જાનવી અચાનક જ કોલેજ કેમ્પસની બહાર પોતાનું બાઇક લઇને ઉભા રહેલા રોહન નામના યુવક સાથે અથડાય છે. આ અથડાયેલી યુવતી પાછળ યુવાનો કેમ દોડી રહ્યા છે તે કાંઈ રોહન સમજી શકતો નથી અને રોહન કંઈ પૂછવા જાય તે પહેલાં જ યુવતી મદદ માટે આજીજી કરવા લાગે છે. રોહન એક ક્ષણનો વિલંબ કર્યા વગર જાનવીને પોતાના બાઈક પર બેસાડી કોલેજ કેમ્પસથી થોડે દુર લઇ જાય છે અને જાનવીની પાછળ દોડતા યુવાનો થોડો વખત રોહન અને જાનવીનો પીછો કરે છે પરંતુ તેઓ અંતે થાકીને પાછા વળી જાય છે.
સલામત અંતરે પહોંચ્યા પછી રોહન જાનવીને પાણીની બોટલ આપે છે અને પ્રેમથી પાણી પીવાનું કહે છે. ગભલાયેલી જાનવીના હાથમાં પાણીની બોટલ હોવા છતાં પણસ તે પાણી પી શકતી નથી અને તેના હાથમાંથી બોટલ છટકીને નીચે પડી જાય છે. જાનવી હજુ પણ આખી ધ્રૂજી રહી છે. કોઇ તેને નુકસાન પહોંચાડશે તેઓ જાનવીને સતત ડર લાગી રહ્યો છે ત્યારે રોહન ગ્લાસમાં પાણી કાઢી જાનવીને પાણી પીવડાવે છે. થોડીવાર પછી જાનવીનું મન શાંત થાય છે. જાનવી પોતાના ઘરે જવાનું કહે છે ત્યારે રોહન તેને રોકે છે અને કહે છે કે અહીંયા સુધી હું તને લઈને આવ્યો છું તો સલામત તારા ઘરે પણ હું જ પહોંચાડીશ. આ સાંભળીને જાનવી ખુશ થઈ જાય છે અને તે રોહનથી ખૂબ જ પ્રભાવિત થાય છે.
રોહને જ્યારે પૂછ્યું કે આ યુવકો કોણ હતા અને શા માટે તારી પાછળ દોડતા હતા? ત્યારે જાનવી એ કહ્યું કે આ યુવકો મારી કોલેજના વિદ્યાર્થીઓ હતા. અમારી કોલેજની પરીક્ષા ચાલી રહી હતી અને આજે છેલ્લું પેપર હતું. પરીક્ષા દરમિયાન મેં તેઓને ચોરી કરવામાં મદદ ન કરી અને પ્રશ્નોના જવાબ ન લખાવ્યા એટલે તેઓ ગુસ્સામાં આવીને મને મારવા માટે પાછળ દોડી રહ્યા હતા. પરંતુ તમે દેવદૂત બનીને મને બચાવી લીધી. આટલું બોલતા બોલતા જાનવીની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગે છે અને તે વધુ કાંઇ બોલી શકતી નથી. આ જોઈને રોહન જાનવીને સાંત્વના આપે છે અને આંસુ લૂછે છે. જાનવી કાંઈ પણ વિચાર કર્યા વગર રસ્તા પર જ રોહનને પ્રેમથી આલિંગન આપે છે. જાનવીના આલિંગનથી રોહનના રોમરોમમાં પ્રેમની ધારાઓ વહેવા લાગે છે અને તેના મન મંદિરમાં જાનવી વસી જાય છે. રોહન પોતાના બાઈક પર બેસાડી જાનવીને તેના ઘર સુધી મૂકવા જાય છે ત્યારે જાનવી પ્રેમથી ફક્ત આયલુ જ કહે છે કે ફરી મળીશું અને મળતા રહીશું. જાનવીને સલામત રીતે ઘરે પહોંચાડીને પોતાના ઘર તરફ આવવા માટે નીકળે છે અને રસ્તામાં ગિફ્ટ આર્ટીકલની દુકાન જોઇને રોકાઈ જાય છે.
રોહન જાનવી માટે નાનકડી ગીફ્ટની ખરીદી કરે છે અને ગિફ્ટ પેક કરાવી પોતાની બેગમાં મૂકી દે છે. ઘરે આવીને પણ રોહન જાનવી સાથે મોબાઈલમાં વાત કરવામાં મસ્ત બની જાય છે અને રાત્રીનું ભોજન કરવાનું પણ ભૂલી જાય છે. જાનવી અને રોહન રાત્રે વાત દરમિયાન જ સવારે મળવાનું નક્કી કરી લે છે અને બીજા દિવસે સવારે નક્કી કર્યા મુજબ એકબીજાને મળવા માટે પહોંચી જાય છે. આજે તો તારી પાછળ કોઈ મારવા માટે તો નથી દોડતું ને એવો સવાલ રોહન દ્વારા પુછવામાં આવતા જાનવી ખડખડાટ હસવા લાગે છે અને કહે છે કે રોહન મારી સાથે હોય પછી કોનામાં હિંમત છે કે જાનવી સામે આંખ ઊંચી કરીને પણ જુએ. રોહન અને જાનવી નજીકમાં આવેલા રેસ્ટોરન્ટમાં પહોંચે છે અને પ્રેમથી વાતો કર્યા કરે છે.
રોહન જાનવીને ગિફ્ટ આપે છે. એકાદ કલાક જેટલો સમય વિત્યો હોવા છતાં પણ રોહન અને જાનવીની અવિરત પ્રેમની વાતો ચાલુ જ રહે છે ત્યારે હોટલનો વેઇટર આવીને પુછે છે કે તમે અહીં નાસ્તો કરવા માટે આવ્યા છો કે ફક્ત વાતો કરવા માટે આવ્યા છો. આ સાંભળીને રોહન બે કપ ચા નો ઓર્ડર આપે છે અને કહે છે કે એક મોટા કપમાં બે કપ ચા લઇ આવજો. તમે બે માણસ છો અને એક કપમાં ચા એવો હોટલનો વેઇટર જ્યારે પ્રશ્ન કરે છે ત્યારે રોહન કહે છે કે ભાઈ આ તમને નહીં સમજાય તમે ફક્ત ચા લઈને આવો. વેઇટર થોડીવારમાં જ એક મોટા કપમાં બે ચા લઈને આવે છે અને ટેબલ ઉપર મૂકે છે અને તેની સાથે બે ખાલી કપ પણ મૂકે છે. એક જ કપમાંથી રોહન અને જાનવી પ્રેમથી વાતો કરતા કરતા ચા પીવાનો લખલૂટ આનંદ પણ માણી રહ્યા છે. થોડીવારમાં જ્યારે વેઈટર પાછો આવે છે ત્યારે તે આશ્ચર્યથી પૂછે છે કે સાહેબ આ બંને કપ તો એમના એમ જ ખાલી પડી રહ્યા છે અને તમે ચા પણ પી ગયા, ગજબ છો તમે એમ કહી વેઇટર પૂછે છે કે હવે બીજુ શું લાવું? જાનવી અને રોહન બંનેના મોઢામાંથી શબ્દ નીકળી જાય છે પાઉભાજી. થોડીવારમાં જ વેઇટર મોટી થાળીમાં બે ભાજી, થોડા પાઉ લઈ આવે છે અને ટેબલ પર મૂકે છે. આ વખતે રોહન અને જાનવી કાંઈ પણ બોલે તે પહેલા જ વેઇટર કહે છે કે હવે હું સમજી ગયો કે તમે બે વ્યક્તિ છો પરંતુ એક પ્રેમી છો.
આ સાંભળીને આસપાસ બેઠેલા લોકો પણ જાનવી અને રોહનની સાથે હસવા લાગે છે. પછી તો આ રેસ્ટોરન્ટ જ જાનવી અને રોહનના દૈનિક મિલનનું સાક્ષી બની જાય છે. જાનવી અને રોહન એકબીજાને અવિરત પ્રેમ આપી રહ્યા છે અને સુખ દુખની વાતો પણ કરી રહ્યા છે. જાનવી અને રોહન બે અલગ અલગ વ્યક્તિઓ છે પરંતુ બંનેનું મન એક બની ગયું છે. બંને પરિવારોની પણ સંમતિથી જાનવી અને રોહનના લગ્ન કરવા માંગે છે પરંતુ રોહનના વિઝા આવી જતા તેને તાત્કાલિક વિદેશ જવું પડે છે. તો બીજીબાજુ પરીવાર દ્રારા જાનવીના લગ્ન નક્કી કરી દેવામાં આવે છે.
રોહન સાથે લગ્નના સ્વપ્ન જોતી જાનવી બીજા કોઇની દુલ્હન બનવા જય રહી છે. રોહન વિદેશમાં હોવાથી કાંઇ પણ કરી શકતો નથી. લગ્નના દિવસે પણ જાનવી રોહન સાથે પ્રેમથી વાત કરે છે અને જાનવી લગ્નના મંડપમાં જાય તે પહેલા રોહન કહે છે કે સાચો સંબંધ પીડાનું સરનામું બને તે પહેલા સારા મોડ પર છોડી દેવો તેમા જ શાનપન છે. જાનવીના ધામધુમથી લગ્ન કરવામાં આવે છે. તેમ છતાં પણ અવિરત પ્રેમની વાતો કરતા બંને પ્રેમી પંખીડાઓ લગ્ન કર્યાં વગર પણ એકબીજાના બની જાય છે. પોતાના શ્વાસ કરતાં પણ વધુ વિશ્વાસ જાનવી અને રોહન એકબીજા પર મૂકી રહ્યા છે અને એકબીજાથી દુર રહીએ પણ પ્રેમથી જીવનનો સાચો અનેરો આનંદ પણ માણી રહ્યા છે.