મમતા બેનર્જી પણ કોલકાતામાં ચૂંટણી પ્રચાર નહીં કરે
કોલકતા: દેશમાં દિવસેને દિવસે રેકૉર્ડતોડ રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે ચાલી રહેલી પશ્ચિમ બંગાળ ચૂંટણીને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે રાહુલ ગાંધી બાદ ટીએમસી પ્રમુખ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ એલાન કર્યું છે કે, તેઓ બાકીના તબક્કા માટે ચૂંટણી પ્રચાર નહીં કરે.
ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને ટિ્વટ કરીને માહિતી આપી છેકે, મમતા બેનર્જી હવે કોલકાતામાં ચૂંટણી પ્રચાર નહીં કરે. ડેરેક ઓ બ્રાયને ટિ્વટ કર્યું, બંગાળ ચૂંટણીને લઇને મુખ્યમંત્રી મમતા બેનર્જી હવે કોલકાતામાં પ્રચાર નહીં કરે. તેઓ પ્રતિકાત્મક રીતે શહેરમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે માત્ર એક બેઠક કરશે. બાકીના તમામ જિલ્લાઓમાં પણ તેમણે ચૂંટણી રેલીઓનો સમય ઘટાડી દીધો છે. હવે તેઓ માત્ર ૩૦ મિનિટ જ રેલી કરશે.
એ યાદ રહે કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ પહેલા એ માંગ કરી હતી કે બંગાળના બાકી તબક્કાઓમાં ચૂંટણી એક સાથે કરાવવામાં આવે. મમતા બેનર્જી પહેલા
કોંગ્રેસ નેતા અને વાયનાડ સાંસદ રાહુલ ગાંધીએ પણ એલાન કર્યું હતું કે તેઓ કોરોના સંક્રમણના કારણે બંગાળમાં પોતાના આગામી ચૂંટણી રેલીઓ રદ્દ કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ બંગાળમાં માત્ર ૨ રેલીઓ કરી હતી.