મમતા સરકારનાં ૪ નેતાઓની CBI દ્વારા ધરપકડ કરાઇ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/mamta-2-1024x576.jpg)
કોલકતા: સીબીઆઈ દ્વારા પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારનાં ૨ મંત્રીઓ સહિત ચાર નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. એજન્સીએ સોમવારે મંત્રી ફિરહાદ હાકીમ અને સુબ્રતા મુખર્જીની ધરપકડ કરી છે. આ સિવાય ટીએમસીનાં ધારાસભ્ય મદન મિત્રા અને કોલકાતાનાં પૂર્વ મેયર સુવન ચેટર્જીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ નેતાઓની નારદા સ્ટિંગ ઓપરેશન સંદર્ભે ધરપકડ કરવામાં આવી છે. સોમવારે એજન્સીની ટીમ આ અધિકારીઓનાં ઘરે પહોંચી હતી અને પૂછપરછ માટે તેમને કોલકાતાનાં નિઝામ પેલેસ સ્થિત તેમની ઓફિસમાં લઇને આવી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂછપરછ કર્યા બાદ આ નેતાઓની ધરપકડ કરવામાં આવી છે અને તે પછીનાં દિવસે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાજ્યનાં રાજ્યપાલ જગદીપ ધનખરે સીબીઆઈને આ નેતાઓ વિરુદ્ધ કેસ ચલાવવા મંજૂરી આપ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. એક તબક્કે ટીએમસી સાથે સંકળાયેલા સુવન ચેટર્જી ૨૦૧૯ માં ભાજપમાં જાેડાયા હતા, પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં ભગવા પક્ષ તરફથી ટિકિટ ન મળ્યા બાદ તેમણે પાર્ટી છોડી દીધી હતી. બીજી તરફ, મદન મિત્રાએ તાજેતરની ચૂંટણીઓમાં કમરહાટી વિધાનસભા બેઠક જીતી હતી.
બંગાળમાં સીબીઆઈની કાર્યવાહીને લઈને રાજકારણ પણ તીવ્ર બન્યું છે. ટીએમસીનાં પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું કે અમે તેની નિંદા કરીએ છીએ અને તે બદલો લેવા જેવી વિચારધારા છે. આ સાથે જ ભાજપનું કહેવું છે કે આ ધરપકડ કરવામાં તેની કોઈ ભૂમિકા નથી. પાર્ટીનાં પ્રવક્તા સામિક ભટ્ટાચાર્જીએ કહ્યું કે, ‘અમારે કઇ જ કહેવુ નથી. ભાજપને આની સાથે કંઈ લેવાદેવા નથી.’ મંત્રીઓની ધરપકડથી ફરી એક વાર નારદા કૌભાંડનો મામલો સામે આવ્યો છે જે ૨૦૧૬ પહેલા ઉભરી આવ્યો હતો. જણાવી દઇએ કે, નારદા સ્ટિંગ ઓપરેશનમાં, ટીએમસીનાં ઘણા વરિષ્ઠ નેતાઓ બનાવટી કંપનીની મદદનાં બદલામાં રોકડ લેતા જાેવા મળ્યા હતા.
સીબીઆઇ ટીમે સોમવારે સવારે તેમના ઘર તથા અન્ય ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા અને પછી પૂછપરછ માટે ઓફિસ લઈ ગઈ હતી. આ વાતની જાણ થતાં જ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જી પણ પાછળ-પાછળ સીબીઆઇ ઓફિસ પહોંચી ગઈ, ત્યાં તેમણે સીબીઆઇને કહ્યું કે, મારી પણ ધરપકડ કરી લો અને જેલમાં મોકલો.આ પહેલા રાજ્યના મંત્રી અને ટીએમસીના મોટા નેતા ફિરહાદ હાકિમે આરોપ લગાવ્યો હતો કે સીબીઆઇએ કારણ જણાવ્યા વગર જ તેમની ધરપકડ કરી લીધી છે. જાેકે સીબીઆઇએ ત્યારે કહ્યું હતું કે તેમણે કોઈની ધરપકડ નથી કરી. જાેકે પૂછપરછ બાદ સીબીઆઇએ જણાવ્યું કે આ તમામની ધરપકડ કરવામાં આવી છે.