મમ્મી બન્યાનાં માત્ર ૧૨ જ દિવસમાં ભારતીએ શરુ કરી દીધું શૂટિંગ
મુંબઇ, કોમેડિયન ભારતી સિંહ મમ્મી બન્યાના માત્ર ૧૨ જ દિવસમાં ફરી કામ પર લાગી ગઈ છે. હાલ એક રિયાલિટી શોને પોતાના પતિ હર્ષ લિંબાચિયા સાથે હોસ્ટ કરી રહેલી ભારતી સિંહે આજથી શુટિંગ શરુ કરી દીધું છે. ભારતી આજે જ પોતાના શો હુનરબાઝના સેટ પર પહોંચી હતી.
ભારતીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે તે શૂટિંગ પર આવતા પહેલા ખૂબ જ રડી હતી. તેણે જણાવ્યું હતું કે તેનો દીકરો હજુ માંડ ૧૨ દિવસનો છે, પણ કામ તો કામ છે. શોના ફિનાલેમાં પણ તેને આવવું પડશે, આ ઉપરાંત પરમ દિવસથી ખતરા ખતરાનું શૂટિંગ પણ તે શરુ કરી રહી છે.
પ્રેગનેન્સીના છેલ્લા દિવસ સુધી શૂટિંગ કરતી રહેલી ભારતી ૧૨ દિવસ બાદ ફરી સેટ પર આવી ત્યારે ખાસ ખુશ તો નહોતી લાગી રહી, પરંતુ તેણે મજાક કરવાનું આજે પણ નહોતી ચૂકી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે રણબીર કપૂરના લગ્ન થઈ ગયા છે, તેને શુભેચ્છા આપતા શું કહેશો? તેના જવાબમાં ભારતીએ પોતાના અસલ સ્વભાવનો પરિચય આપતા કહ્યું હતું કે, અમને બોલાવ્યા હતા, પણ બાળક નાનું હોવાથી અમે લોકો નહોતા જઈ શક્યા. આ જવાબ સાંભળીને બધા ખડખડાટ હસી પડ્યા હતા.
ભારતીએ મીડિયાને એમ પણ કહ્યું હતું કે તમને બધાને મીઠાઈ ખવડાવવાની પણ બાકી છે. ભારતી સિંહે ૦૩ એપ્રિલના રોજ પોતાને દીકરો અવતર્યો હોવાની જાહેરાત કરી હતી. ત્રણ દિવસ બાદ તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. તે શૂટિંગ કરી રહી હતી ત્યારે જ તેને પ્રસૂતિની પીડા ઉપડતાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
ભારતી પ્રેગનેન્ટ હતી ત્યારે જ તેણે જાહેરાત કરી હતી કે તે અને તેનું બાળક એકમદ ફિટ છે, અને તે પ્રેગનેન્સીના છેલ્લા દિવસ સુધી શૂટિંગ કરતી રહેશે, જે તેણે ખરેખર કરી બતાવ્યું હતું. ભારતીના પતિ હર્ષ લિંબાચિયાએ પણ આ જ અઠવાડિયામાં શૂટિંગ ચાલુ કર્યું હતું.
હર્ષ પિતા બન્યા પછી પહેલીવાર શૂટિંગ કરવા આવ્યો ત્યારે તેણે મીડિયાને કહ્યું હતું કે બેબી આખી-આખી રાત જગાડે છે પરંતુ તેની અલગ જ મજા છે.
હર્ષ અને ભારતી ડિસેમ્બર ૨૦૧૭માં પરણ્યા હતા. મોટાભાગે રિયાલિટી શોનું હોસ્ટિંગ કરતું આ કપલ પોતાની ગજબની સેન્સ ઓફ હ્યુમરથી બધાને હસાવતું રહે છે. ભારતી અગાઉ પણ ઘણી વાર કહી ચૂકી હતી કે તે જલ્દી મમ્મી બનવા માગે છે. આખરે ડિસેમ્બર ૨૦૨૧માં ભારતી અને હર્ષે પોતાની યૂટ્યૂબ ચેનલ પર પ્રેગનેન્સીની જાહેરાત કરી હતી.SSS