Western Times News

Gujarati News

મમ્મી મને હજારો વડીલોના આશીર્વાદ મળ્યા છે મને કશું થવાનું નથીઃ નેહાબેન નાયકા

આ દીકરીના જોમ અને જુસ્સાને સો-સો સલામ

21 વર્ષની નર્સિંગની વિદ્યાર્થિની કોવિડ વોર્ડમાં સહાયક તરીકે ફરજ બજાવી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહી છે

‘જ્યારે મને કોવિડ વોર્ડમાં ફરજ બજાવવાની ફરજ સોંપાઈ હોવાની વાત મેં મારા પરિવારજનોને કરી, તો તરત તેમણે વિરોધ કરીને કહ્યું કે અમારે તને મોતમાં મુખમાં નથી જવા દેવી. પણ, મેં મારાં મમ્મી-પપ્પાને કહ્યું કે આખો દેશ કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે મારા દેશના લોકોના દુ:ખ દૂર કરવામાં હું પાછીપાની નહીં કરું…’ આ શબ્દો છે સુરતની સ્મિમેર હોસ્પિટલના કોવિડ વૉર્ડમાં ફરજ બજાવતી 21 વર્ષની યુવતી નેહા નાયકાના.

કોરોનાના વધતા જતા કહેર વચ્ચે દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે નર્સિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ સેવા આપી રહ્યા છે. સ્મિમેર હોસ્પિટલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સુરેન્દ્ર ત્રિવેદીના જણાવ્યા અનુસાર સુરતની વનિતા વિશ્રામ નર્સિંગ કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 27 જેટલા વિદ્યાર્થીઓ સ્મિમેર હોસ્પિટલમાં 6ઠ્ઠી એપ્રિલથી સહાયક સ્ટાફ તરીકે સેવામાં જોડાયા છે. જેમને યોગ્ય તાલીમ આપીને કોવિડની ફરજ સોપવામાં આવી છે. આમાંની જ એક વિદ્યાર્થિની છે, નેહા.

કોવિડની ફરજ નિભાવતી વખતેના પોતાના અનુભવો દર્શાવતા નેહા જણાવે છે કે, ‘શરૂઆતમાં મને કોરોનાનો ડર લાગતો હતો, પરંતુ ધીમે-ધીમે હવે ડર લાગતો નથી. કૉલેજમાં અમારા પ્રોફેસરોએ અમને માનસિક રીતે તૈયાર કરીને પ્રોત્સાહન પૂરું પાડયું છે. દર્દી દાખલ થાય, ત્યારે ખૂબ ગભરાયેલા હોય છે. જેથી અમે તેને પરિવારજનોની જેમ હૂંફ આપીને માનસિક સધિયારો આપીએ છીએ. તમને કશું થવાનું નથી

તમે જલદી સ્વસ્થ થઈ જશો… સહિતની હકારાત્મક વાતોથી તેમની હિંમત બંધાવીએ છીએ. અનેક વખત દર્દીઓને જમાડવાથી લઈને વેન્ટિલેટર, બાયપેપ મૂકવું, તેમનું ઓકિસજન લેવલ ચેક કરતા રહેવું, ડોકટરની સલાહ મુજબ દવા આપવી સહિતના બધાં જ કામનો ટૂંકાગાળામાં બહોળો અનુભવ થઈ ગયો છે. અનેક વખત મોટી વયના દર્દીઓ માથે હાથ મૂકીને આશીર્વાદ આપે છે, ત્યારે અંદરથી એક પ્રકારના સંતોષની સાથે નવા જોમ અને ઊર્જાનું સર્જન થાય છે.’

નેહા કહે છે કે જ્યારે તે ઘરેથી હોસ્પિટલે આવવા નીકળે છે, ત્યારે તેનાં મમ્મી શીલાબહેન તેને કહે છે કે દીકરા તારું ધ્યાન રાખજે. જવાબમાં નેહા તેના મમ્મીને કહે છે કે, ‘તારી દીકરી પર હજારો વડીલોના આશીર્વાદ, મને કશું થવાનું નથી.’ ખરેખર, આવી દીકરીઓ અન્ય અનેક આરોગ્યકર્મીઓ માટે પ્રેરણારૂપ છે. સો-સો સલામ છે આવી દીકરીઓને.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.