મયંક અગ્રવાલે ૮મી ટેસ્ટમાં ફટકારી કરિયરની ત્રીજી સદી
ઈન્દોર, ભારતીય ઓપનર મયંક અગ્રવાલે બાંગ્લાદેશ વિરુદ્ધ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે શુક્રવારે શાનદાર સદી ફટકારી હતી. તેણે ઇબાદત હુસૈનના બોલ પર બે રન દોડવાની સાથે પોતાના ટેસ્ટ કરિયરની ત્રીજી સદી પૂરી કરી હતી. કરિયરની ૮મી ટેસ્ટ મેચ રમતા મયંકે ૧૮૩ બોલ પર પોતાની સદી પૂરી કરી હતી. ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર ૩ વિકેટ પર ૨૦૬ રન હતો.
મયંકે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાછલા વર્ષે ડિસેમ્બરમાં પર્દાપણ કર્યું હતું. તેણે ૨૬ ડિસેમ્બર ૨૦૧૮ના રમાયેલા પોતાના પર્દાપણ ટેસ્ટમાં ૭૬ અને ૪૨ રનની ઈનિંગ રમી હતી. તેણે પહેલી ઈનિંગમાં ચેતેશ્વર પૂજારા સાથે બીજી વિકેટ માટે ૮૩ રનની ભાગીદારી પણ કરી હતી. આ મેચમાં ભારતનો ૧૩૭ રને વિજય થયો હતો.
મયંક અગ્રવાલે પાછલા મહિને (ઓક્ટોબર ૨૦૧૯) વિશાખાપટ્ટનમમાં આફ્રિકા વિરુદ્ધ રમાયેલી સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ૨૧૫ રનની ઈનિંગ રમી હતી. આ તેના કરિયરની પ્રથમ બેવડી અને બીજી સદી હતી. તેણે તે મેચમાં ૩૭૧ બોલનો સામનો કર્યો જેમાં ૨૩ ચોગ્ગા અને ૬ છગ્ગા ફટકાર્યા હતા. ૨ ઓક્ટોબરે રમાયેલા આ મુકાબલામાં ભારતીય ટીમનો ૨૦૩ રને વિજય થયો હતો, જેમાં રોહિત શર્માએ ૧૭૬ અને ૧૨૭ રનની ઈનિંગ રમી હતી.
મયંક અગ્રવાલને ટેસ્ટ ટીમમાં હજુ સુધી તક મળી છે. તે કરિયરમાં એક પણ વનડે મેચ રમ્યો હતો. તેણે આ પહેલા ૫૭ ફર્સ્ટ ક્લાસ મેચ રમી જેમાં ૧૦ સદી અને ૨૫ અડધી સદીની મદદથી કુલ ૪૫૦૭ રન બનાવ્યા, જેમાં એક ત્રેવડી સદી પણ સામેલ છે. તે ૧૩૪ ટી૨૦ મેચ પણ રમી ચુક્યો છે, જેમાં તેના નામે ૧ સદી અને ૧૮ અડધી સદીની સાથે કુલ ૨૯૩૯ રન નોંધાયેલા છે.