મરકજમાં ભાગ લેનારા વડોદરાના ગ્રામ વિસ્તારના ૨૯ની આરોગ્ય તપાસ હાથ ધરાઇ

વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં ૫૮૬ વ્યક્તિઓ વિદેશ પ્રવાસથી આવ્યા તે પૈકી ૧૩૩ વ્યક્તિઓનું હોમ કોરેન્ટાઇન પૂર્ણ થયું
આંતરરાજયમાંથી આવેલા ૩૮૯ વ્યક્તિઓની આરોગ્ય તપાસણી કરવામાં આવી – મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત
વડોદરા તા.૦૧ એપ્રિલ, ૨૦૨૦ (બુધવાર) હાલમાં કોરોના વાયરસ સંદર્ભે જિલ્લા આરોગ્યતંત્ર જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ના માર્ગદર્શન હેઠળ સતત સક્રિય છે. કોરોના સંદર્ભે આરોગ્ય તપાસણી સહિતની કામગીરી નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી રહી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતે જણાવ્યું કે, વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ ૫૮૬ વ્યક્તિઓ વિદેશ પ્રવાસથી આવ્યા છે. જે પૈકી વડોદરા તાલુકાના ૪૨૭, કરજણ તાલુકાના ૪૫, પાદરા તાલુકાના ૪૭, સાવલી તાલુકાના ૨૭, વાઘોડીયા તાલુકાના ૬, ડભોઇ તાલુકાના ૧૯, શિનોર તાલુકાના ૧૧, ડેસર તાલુકાના ૪ વ્યક્તિઓ છે. જિલ્લામાં ૫૮૬ વ્યક્તિઓમાંથી ૧૩૩ વ્યક્તિઓનું હોમ કોરેન્ટાઇન પૂરું થયું છે.
વડોદરા સર સયાજીરાવ ગાયકવાડ (એસએસજી) હોસ્પિટલ ખાતે ૧૧૪ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. વડોદરા શહેરના ૯૪, ગ્રામ્યના ૨૦ તપાસણી કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં ૬ અને ગ્રામ્યના ૩ સેમ્પલ પોઝીટીવ આવ્યા છે. જિલ્લામાં તા.૧ એપ્રિલ-૨૦૨૦ સવારે ૧૧ વાગ્યા સુધીમાં જિલ્લાની કુલ વસ્તી ૧૪,૫૮,૨૨૪ તેમાંથી સર્વલેન્સ કરવામાં આવેલ વસ્તી ૧૪,૧૯,૪૨૧-૯૭.૩૪ % તેમાંથી તાવના ૭૦૪ અને કફના ૧,૫૭૬ કેસ મળ્યા છે.
જિલ્લામાં આંતરરાજયમાંથી આવેલા ૩૮૯ વ્યક્તિઓને આશ્રય આપવામાં આવ્યો છે. તે પૈકી આર્શિવાદ મેરેજ હોલ કરજણ ખાતે મહારાષ્ટ્રના ૨૮, ઉત્તરપ્રદેશના ૨૮ અને બિહારના ૨૨ એમ કુલ ૭૮, વાઘોડીયા પ્રાથમિક કુમાર શાળા ખાતે રાજસ્થાનના ૮, મધ્યપ્રદેશના ૧૬૩, ઉત્તરપ્રદેશના ૧૦૩ અને અન્ય ૨૦ એમ કુલ ૨૯૪, આદર્શ નિવાસી કન્યા હોસ્ટેલ સાવલી ખાતે ઉત્તરપ્રદેશના ૧૭ સહિતના તમામની આરોગ્ય તપાસણી પણ કરવામાં આવી છે. જિલ્લામાં મરકસ નિઝામુદીન દિલ્હીથી ધાર્મિક પ્રસંગમાં વડોદરા જિલ્લાના ૨૯ લોકો હતા. ૯૨ વ્યક્તિઓની યાદી મળી છે તેમાંથી ૨૯ વ્યક્તિઓ વડોદરા ગ્રામ્યના છે. ડેસર તાલુકો ૧૪, વાઘોડીયા તાલુકા ૦૪, ડભોઇ તાલુકા ૦૩, કરજણ તાલુકા ૦૩, પાદરા તાલુકા ૦૩ અને વડોદરા ૦૨ આમ, ૨૯ વ્યક્તિઓ આવેલા છે તે તમામની આરોગ્ય તપાસની કામગીરી શરૂ છે.