મરાઠી નહીં બોલનારા જ્વેલર સામે લેખિકાએ ધરણાં કરતાં મનસેના કાર્યકરોએ લાફા માર્યા
મુંબઈ, મુંબઈના એક જ્વેલરને મરાઠી નહીં આવડતુ હોવાના કારણે એક લેખિકાએ ભારે હંગામો કર્યો હતો.એ પછી રાજ ઠાકરેની પાર્ટી મનસેએ આ જ્વેલરને ફટકાર્યો હતો. ભાષાના આ વિવાદ અંગે મળતી વિગતો પ્રમાણે મરાઠી લેખિકા શોભા દેશપાંડે મુંબઈના કોલાબા વિસ્તારના એક જ્વેલરને ત્યાં ઘરેણા ખરીદવા ગઈ હતી.જ્વેલર શંકરલાલ જૈનસાથે વાતચીત દરમિયાન લેખિકાએ ભાર મુક્યો હતો કે, જ્વેલર મરાઠીમાં જ વાત કરે.લેખિકાનુ કહેવુ હતુ કે, જો મહારાષ્ટ્રમાં દુકાન હોય તો દુકાનદારને મરાઠી આવડવુ જોઈએ.હું મરાઠીમાં બોલી રહી હતી અને જ્વેલર મરાઠી બોલી રહ્યા નહોતા.
દેશપાંડેએ આરોપ લગાવ્યો હતો કે, હું હિન્દીમાં વાત નહોતી કરી રહી એટલે જ્વેલરે મને ઘરેણા વેચવાની ના પાડી દીધી હતી અને બહુ તોછડાઈથી દુકાનમાંથી જતા રહેવા માટે કહ્યુ હતુ.જ્યારે મેં પોલીસને ફોન કર્યો ત્યારે પોલીસે જ્વેલરનો પક્ષ લીધો હતો.એ પછી મેં આખી રાત દુકાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
દરમિયાન આ વાતની ખબર પડતા રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકરો પહોંચી ગયા હતા અને તેમણે જ્વેલરને લાફા માર્યા હતા.દરમિયાન 20 કલાકના ધરણા બાદ દુકાનદારે લેખિકાની માફી માંગી હતી.મનસેએ કહ્યુ હતુ કે, અમે જ્વેલરને માફી માંગવાની ફરજ પાડીને પાઠ ભણાવ્યો હતો.